કાર્તિક મહેતા
આખાબોલા અમેરિકન પ્રમુખ ટ્રંપે હમણાં કહેલું કે ઓટિઝમ એક એપિડેમિક (રોગચાળો) છે અને એની સામે આપણે લડવાની સખત જરૂર છે
- Advertisement -
ટ્રમ્પ આવું બોલ્યા એની પાછળ બહુ સજ્જડ કારણ હતું. હજી માંડ ચાલીસેક વર્ષ પહેલાં અમેરિકામાં જન્મતા અઢી હજાર બાળકોમાંથી એકાદ બાળક ઓટિસ્તિક ચાઈલ્ડ રહેતું. જ્યારે આજે પાંત્રીસ બાળકોમાંથી એક બાળક ઓટિઝમના લક્ષણો ધરાવે છે. વળી, ઓટીઝમથી પ્રભાવિત બાળકોની સંખ્યામાં આ ભયાનક વૃદ્ધિનું કારણ શું એની કોઈને ચોક્કસ જાણ નથી !!!
ગઈ કાલે દસમી ઓક્ટોબર વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે તરીકે ઉજવાઇ ગયો.પ્રમાણમાં ધાર્મિક, લાગણીશીલ અને શાંત એવા ભારતમાં ઓટીઝમ, અઉઇંઉ, ડિપ્રેશન, એંઝાયટી જેવા અનેક માનસિક રોગોનું પ્રમાણ ભયજનક રીતે વધવા લાગ્યું છે. યુવાનો તો ઠીક, બાળકો પણ માનસિક રોગોનો શિકાર બની રહ્યા છે, આત્મહત્યા કરી રહ્યા છે. ડિપ્રેશન, સ્ટ્રેસ, એંઝાયટી જેવા શબ્દો જે ત્રીસ ચાલીસ વર્ષ પહેલાં આપણી (વ્યવહારિક) ડીક્ષનરીમાં પણ નહોતા તે હવે આપણા જીવનનો અલાયદો ભાગ બની ગયા છે.એટલે મેન્ટલ હેલ્થની ચિંતા કરવી જરૂરી બન્યું છે.
તો હવે કરવું શું ? અમુક સામાન્ય પણ કારગર ઉપાયો આ અનુસાર છે :
1. લોકોને મળો, રૂબરૂ મળો. વ્હોટસએપ કે ફોન થકી નહિ પણ રૂબરૂ થાઓ. રૂહ – બ – રૂહ ઉપરથી રૂબરૂ શબ્દ આવેલો છે. રૂબરૂ થઈએ એટલે આંખોમાં આંખ નાખીને જે વાત થાય છે તે ફોન કે મેસેજમાં શક્ય નથી. આંખ થકી આત્મા સાથે આત્મા મળે છે અને આત્મીયતા વધે છે જે માણસને હેપ્પીનેસ આપે છે. રાજકારણીઓ એટલે તો ઝટ દઈને ડિપ્રેશન અનુભવતા નથી !!
- Advertisement -
2. સૂર્યપ્રકાશ લો. સૂર્યપ્રકાશ જ પ્રાણ છે. દરરોજ કમ સે કમ ત્રીસેક મિનિટ સહન કરી શકાય એવો તડકો અવશ્ય લો. સૂર્યપ્રકાશ શરીરમાં હેપીનેસ હોર્મોનનું સર્જન કરે છે એટલું સરળ ગણિત ગાંઠે બાંધી રાખો. ગોરાઓ કારણ વિના બીચ ઉપર ઉઘાડા પડી રહેતા નથી !!
3. પ્રોસેસ કરેલું ફૂડ ઘટાડો. બહારનું પ્રોસેસ કરેલું ફૂડ કેટલું જૂનું છે , કેટલું વાસી અને કેટલા કેવા પ્રિઝરવેટિવ વાળું છે એ જાણવું અઘરું છે. શક્ય એટલું તાજુ, ઘરનું બનેલું, ઓર્ગેનિક ખાઓ. બાજરો, ચણા, રાગી, દેશી ગોળ, દેશી ઘી, અથાણાં અને દેશી ફળોને ભોજનમાં સમાવો.મેંદો, ખાંડ, પેકેટ છાપ ચીજો ને ત્યજો. ઘરમાં બનેલ ભોજનમાં ભળેલ પ્રેમ ભલભલાને સાજા કરી શકે છે!!
4. ચરેવૈતી : ચાલો….ચાલ્યા કરો. ચાલતો માણસ દુ:ખી થતો નથી. એટલે તો સાધુ ચલતા ભલાં કહ્યું છે. ઘરના કામ જેટલી સરસ કસરત એકેય નથી. કપડાં કે વાસણ ધોવા, પોતા મારવા જેવા કામ કરીને જૂના જમાનાની સ્ત્રીઓ એકેય ગોળી ગળ્યા વિના ડઝન બાળકોની માતા બની શકતી અને પાતળી પરમાર રહેતી. આજે ??? વેલ , નો કમેન્ટસ.
5. ગેજેટ્સનો વપરાશ ધીમે ધીમે ઘટાડો. ગેજેટ્સ ભલે ઉપયોગી હોય તે તમારા જીવનનો એક નાનો એવો ભાગ છે, તે તમારું જીવન નથી. એને લિમિટમાં રાખો. નહિતર એ તમને લિમિટ બહાર કરી દેશે એની તમને ખબર પણ નહી પડે.
6. ગ્રેટીટ્યુડ : આભાર માનતા શીખો. આપણા જીવનમાં આવતા અનેક માણસો એવા હોય છે જે આપણી બહુ ઓછાં દામમાં સેવા કરે છે.. એવા લોકો હોય છે જેઓ ના હોય તો આપણું જીવન આકરું બની જાય.. આવા લોકો માટે આભારવશ થાઓ. જાહેરમાં ના કહી શકો તો મનોમન આભાર વ્યક્ત કરો.
7. નેગેટિવ માનસિકતા વાળા ઝેરી લોકોથી અંતર રાખીને રહો. સતત નિંદાઓ કરતા, સતત રાજકારણની વાતો કર્યા કરતા, સતત કૂથલી કરતા લોકોથી દૂર રહેવામાં શરીર અને મન બેયની ભલાઈ છે.
8. કેમિકલ થી દુર રહો. સાબુ, સ્પ્રે ફિનાઇલ, કેરોસીન એન્ટી બાયોતિક, પોલિએસ્ટર, પિવિસી જેવા અનેક કેમિકલ આપણે હવે થોકબંધ ધોરણે વાપરીએ છીએ. પણ એને નિયંત્રિત રીતે વાપરો. એ કેમિકલ છે, કોઈ જૈવિક પદારથ નથી. એની અસર કેવી અને કેટલી છે એની હજી આપણને જાણ નથી તો અજાણ્યા થી છેટા સારા !!
9. કળા અને કારીગરી નો એકાદ શોખ અચૂક વિકસાવો. સંગીત, ચિત્ર, અભિનય, લેખન, સુથારીકામ, લોહારીકામ જેવા અનેક કામો માણસને બેઠા બેઠા યોગ સમાધિ કરાવી શકે છે. ગાંધી અને કબીર દાસજી બેય કાંતવાનું અને વણવાનું કહેતા /કરતા !!
10. માફ કરતા શીખો. માફ કરવા ઉપરનું આખું વિજ્ઞાન છે જેની ઉપર અલગ આર્ટિકલ થાય એમ છે પણ ગણિતીય રીતે પુરવાર થયેલું છે કે જેઓ માફ કરવાની વૃત્તિ ધરાવે છે તેઓ વધુ સફળ અને સુખી થાય છે .
આ દસ ઉપાયો ભલે સાવ સાદા લાગે પણ અપનાવવા જેવા તો છે કેમકે એને સરળતાથી અપનાવી શકાય એમ છે. ટાઢા પાણીએ દરદ જાતું હોય તો દવા શુકામ કરવી ??
સર્વે સન્તુ નિરામયા ….