કોઈપણ પદ શાશ્ર્વત કે વંશીય નથી તેવા ભાજપના પાયાના સિદ્ધાંતો અનુસાર વિજયભાઈ રૂપાણીએ સહજ પદત્યાગ કર્યો હતો: પુરુષોત્તમ પીપરીયા
વેપારી મહાજનો, સંગઠનોની કઠણાઈ અને પ્રશ્ર્નો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અથાગ પ્રયત્નો થકી ઉકેલ્યા: હારીત મહેતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપરેટિવ બેંક્સ ફેડરેશન અને ધી રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક લિ.ના સી.ઈ.ઓ. ડો. પુરુષોત્તમ પીપરીયા તેમજ સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપરેટિવ બેંક્સ ફેડરેશનના ચેરમેન વિક્રમભાઈ તન્ના અને સેક્રેટરી હારીતભાઈ મહેતાએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું કે રાજકોટ શહેરના 75 વર્ષના વિકાસ માટેનો ઈતિહાસ જોઈએ તો છેલ્લા 75 વર્ષમાં જેટલો વિકાસ થયો તેનાથી વધુ વિકાસ વિવિધ ક્ષેત્રમાં વિજયભાઈ રૂપાણીના શાસન કાળ દરમિયાન થયેલ હોવાથી રાજકોટની જનતા વિશેષ રાજીપો અનુભવી રહી છે. ગુજરાતના વિકાસની સમતોલમાં રાજકોટનો વિકાસ થાય તે માટે વિજયભાઈ રૂપાણીએ છપ્પર ફાડીને રાજકોટને નાણા ફાળવ્યા હતા. સૌથી વધુ નાણા ફાળવનાર રાજનાયક તરીકેનો યશ રાજકોટના સંવેદનશીલ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ફાળે જાય છે. ભાજપની વિચારધારા સાથે સહમત ન હોવા છતાં વિજયભાઈ રૂપાણીએ રાજકોટના વિકાસ માટે અથાગ પ્રયત્ન કરેલો છે.
સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપરેટિવ બેંક્સ ફેડરેશનના ચેરમેન વિક્રમભાઈ તન્નાએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપતા જણાવેલું કે કોઈપણ વ્યક્તિ પદત્યાગ કરે કે નિવૃત્ત થાય ત્યારબાદ પ્રજાજનો ઘુંઘવાટા કરતા દરિયાની જેમ સ્વાગત અને સન્માન કરે ત્યારે સમજી લેવું જોઈએ કે તે વ્યક્તિએ પ્રજાના વિશાળ હિતમાં સંવેદનશીલ નિર્ણયો લેવામાં જરાય કચાશ રાખી નથી. આવા આપણા તત્કાલીન પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી તરીકે આરૂઢ થતાં જે સન્માન મળ્યું હતું તેના કરતાં અનેકગણુ સન્માન પદત્યાગ કર્યા બાદ મળેલું તે ઉત્તમ કોટીના ભુપતી સમાન મૂલવી શકાય.
સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપરેટિવ બેંક્સ ફેડરેશનના સેક્રેટરી હારીતભાઈ મહેતાએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપતાં જણાવેલું કે સહકારિતાના પ્રશ્ર્નો માટે વિજયભાઈ રૂપાણીને જ્યારે જ્યારે મળ્યા છે ત્યારે ત્યારે સકારાત્મક વલણ દાખવીને નિરાકરણ કરી સહકારિતાના સિદ્ધાંતોને વધુ મજબૂત કર્યા છે. સહકારિતાના જતન માટે વિજયભાઈ રૂપાણી જેવા મુખ્યમંત્રી મળ્યા તે સહકાર ક્ષેત્ર માટે સોનાના સૂરજ સમાન યુગ રહેલો છે.
- Advertisement -
સંસ્થાના એક્ઝિક્યુટિવ સેક્રેટરી પ્રકાશ શંખાવલાએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપતા જણાવેલું કે વિજયભાઈ રૂપાણીમાં પાયાથી જ સંઘ પરિવાર ક્ષેત્રના સંસ્કારો રહ્યા છે. પરિવાર ક્ષેત્ર ક્યારેય કોઈપણ પદની આશા રાખતું નથી કે કોઈપણ પદ ત્યાગ કરતી વખતે નિરાશા કે નારાજગી પણ દાખવતું નથી તેવી વૈચારિક ભાવના મુજબ વિજયભાઈ રૂપાણીએ પણ હસતા મોઢે મુખ્યમંત્રી તરીકેનો પદત્યાગ કરેલ તે તેમની નિષ્કામ મનોવૃત્તિનું પ્રતિબિંબ છે.
વિજયભાઈ રૂપાણીએ પદની ક્યારેય આશા કે ઈચ્છા વ્યક્ત કરેલી ન હતી તેમ છતાં તેમને ભાજપ તરફથી જે કાંઈ જવાબદારી સોંપવામાં આવી તે જવાબદારી પરિવાર ક્ષેત્રની ગરિમાને કાયમ રાખી નિભાવી હતી તેવું અંતમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપતાં
જણાવ્યું હતું.