રાજકોટમાં વેપારી પાસેથી સોનાંના પાંચ બિસ્કિટ અને જામનગરમાંથી વૃદ્ધાની બંગડી અને ચેઈન મળી કુલ 25.85 લાખના મુદ્દામાલની લૂંટ કરી હતી
આ ગેંગે ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી બંદૂકની અણીએ લૂંટ ચલાવી હતી: રાજ્યભરની પોલીસને એલર્ટ કરી દેવાતા સુરેન્દ્રનગર પાસેથી ચાર ઝડપાયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં જૂનાગઢના વેપારી પાસેથી 24.25 લાખના સોનાના બિસ્કિટ અને જામનગરમાં વૃદ્ધા પાસેથી રૂા. 1.60 લાખના ઘરેણાં પોલીસના નામે ધમકાવી ઈરાની ગેેંગના લૂંટારુઓએ લૂંટ ચલાવી હતી. આ બંને ઘટના ગણતરીની કલાકોમાં જ ઘટતા રાજ્યભરની પોલીસને એલર્ટ કરી દેવાઈ હતી અને સુરેન્દ્રનગર પાસે પહોંચતાં જ આ ચાર લૂંટારુઓને સુરેન્દ્રનગર પોલીસે ઝડપી લઈ બંને લૂંટનો મુદ્દામાલ જપ્ત કરી અગાઉ સૌરાષ્ટ્રમાં કઈ કઈ જગ્યાએ લૂંટ ચલાવી છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
જૂનાગઢના રહેવાસી દિપક અશોકભાઈ જોગીયા ગુરુવારે બપોરે રાજકોટની સોનીબજારે આવ્યા હતા અને ત્યાંથી 24.25 લાખના 500 ગ્રામના સોનાના પાંચ બિસ્કિટ ખરીદી રવાના થયા હતા અને કોઠારિયા નાકાથી બસ સ્ટેન્ડની રીક્ષા ભાડે કરી ત્યારે અંદાજિત 2.30 વાગ્યાની આસપાસ રીક્ષા કરણસિંહજી હાઈસ્કૂલ મેઈન રોડ પર સીટી ગેસ્ટ હાઉસ પાસે પહોંચી હતી ત્યારે પાછળથી ડબલ સ્વારીમાં બાઈક આવ્યું હતું અને તેમાં સવાર બંને શખ્સોએ પોતાની ઓળખ ક્રાઈમ બ્રાન્ચ તરીકે આપી દિપકની તલાશી શરૂ કરી હતી. જેમાં સોનાના પાંચ બિસ્કિટ ભરેલું પેકેટ મળી આવતાં દિપકને ધાકધમકી આપી પોલીસ સ્ટેશને લઈ જઈ ગુનો નોંધવા અંગેની વાત કરી હતી અને રીક્ષાચાલકને રીક્ષા પોલીસ સ્ટેશન તરફ લેવાનું કહેતાં બંને લૂંટારુઓ બાઈકનો યુટર્ન લઈ ફરાર થઈ ગયા હતા જેથી વેપારી દિપકે પોલીસના સ્વાંગમાં 24.25 લાખના સોનાની લૂંટ થયા હોવાની ફરિયાદ એ ડીવીઝનમાં નોંધાવી હતી. જ્યારે જામનગરમાં સવારે 11 વાગ્યે આર્ય સમાજ વિસ્તાર પાસે પુષ્પાબેન ઈશ્ર્વરભાઈ કનખરા નામના વૃદ્ધા શાકભાજી લેવા નીકળ્યા ત્યારે બાઈક પર આવેલા 3 શખ્સોએ પોલીસ તરીકેની ઓળખ આપી પુષ્પાબેને પહેરેલાં 1.60 લાખની કિંમતની સોનાની બંગડી અને ચેઈન લૂંટી ફરાર થઈ જતાં પુષ્પાબેને આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટ અને જામનગરમાં ગણતરીની કલાકોમાં જ બંને લૂંટના બનાવો બનતાં જામનગર અને રાજકોટ પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને શહેરના જુદા જુદા વિસ્તારના સીસી ટીવી કેમેરા ચેક કરતાં બાઈક સ્વાર બંને લૂંટારુઓ વાંકાનેર બાઉન્ડ્રી સુધી દેખાયા હતા અને તેમની સાથે એક આઈ-20 કાર હોવાનો પુરાવો મળતાં રાજ્યભરની પોલીસ એલર્ટ કરી દેવાઈ હતી અને બાઈક અને લૂંટારુઓના ફોટા મોકલી દેવાયા હતા. આ લૂંટારુઓ સુરેન્દ્રનગર પાસેથી પસાર થતાં સુરેન્દ્રનગર પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમાં પ્રાથમિક તપાસમાં આ ચારેય લૂંટારુઓ મહારાષ્ટ્રીયન છે અને ઈરાની ગેંગના હોવાનું બહાર આવ્યું હતું. અગાઉ સુરેન્દ્રનગર અને લીંબડીમાં પણ લૂંટ ચલાવી હોવાની કબૂલાત આપી હતી જેથી અગાઉ ક્યાં-ક્યાં લૂંટ ચલાવવામાં આવી છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.