- ACB દ્વારા વિપુલ ચૌધરીના વધુ 6 દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી
રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની 800 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, જે બાદ 7 દિવસના રીમાન્ડપુર્ણ થતાં તેમણે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે. મહત્વનું છે કે ACBએ મહેસાણા કોર્ટ પાસે વિપુલ ચૌધરીના વધુ 6 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પણ કોર્ટે તેણે નામંજૂર કરી હતી. આજે પણ કોર્ટ પરિસરની બહાર અર્બુદા સેનાના કાર્યકરોનો મોટી સંખ્યામાં જમાવડો થયો હતો.
આંજણા ચૌધરી સમાજમાં સરકાર સામે ધુંધવાઈ રહ્યો છે રોષ
અર્બુદા સેના-અધ્યક્ષ વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે, જેને લઈને આંજણા ચૌધરી સમાજમાં રોષ ભભૂકી રહ્યો છે. ત્યારે એ રોષની અભિવ્યક્તિ માટે સદભાવના યજ્ઞ સંમેલના નામે આજે વીસનગરના વાસણગામમાં શક્તિપ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં વિપુલ ચૌધરી હાજર નહોતા પરંતુ વિપુલ ચૌધરીની ગેરહાજરીમાં તેમના સ્થાને પાઘડી મૂકવામાં આવી હતી. આ ઘટના દર્શાવે છે કે ઉત્તરગુજરાતના આંજણા ચૌધરી સમાજમાં વિપુલ ચૌધરીનું શું મહત્વ છે. આ સંમેલનમાં ચૌધરી સમાજના આગેવાનોએ વિપુલ ચૌધરી સામેના કેસોને બનાવટી અને ઊભા કરાયેલા ગણાવ્યા હતા અને સરકાર સામે વેધક સવાલો કરી આક્રોશ ઠાલવ્યો હતો. અર્બુદાસેનાના કાર્યકરોએ સરકારોએ અલ્ટિમેટમ આપીને આગામી ચૂંટણીમાં પોતાના રુખ વિશે ગર્ભિત ઈશારો કર્યો હતો.
- Advertisement -
વિપુલ ચૌધરી સામે ED તપાસ કરી શકે
પણ બીજી તરફ વિપુલ ચૌધરીની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. વિપુલ ચૌધરી સામે ED તપાસમાં જોતરાઈ શકે તેવા સંકેત મળી રહ્યા છે. કરોડોના શંકાસ્પદ વ્યવહારની ACBએ EDને કરી જાણ કરી છે. વિદેશમાં પણ કરોડોના વ્યવહાર થયાનું તપાસમાં ખુલ્યુ છે. બોગસ કંપની મારફતે થયેલા વ્યવહારોની તપાસ ED કરશે.રજિસ્ટર થયેલી 4 કંપનીઓ અસ્તિત્વમાં જ ન હોવાનું ખુલ્યુ છે.
7 લાખ મતદારો પર પ્રભુત્વ ધરાવે છે વિપુલ ચૌધરી
આંતરિક રીતે વિપુલ ચૌધરીને ભાજપના સાંસદ ભરસિંહ ડાભીનો પણ સપોર્ટ છે. ચૌધરી સમાજના પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં નિર્ણાયક મતદારો છે. પાટણમાં રાધનપુર ખેરાલુ, મહેસાણા વિસનગર વિજાપુર બેઠક પર અસર કરી શકે. આ વિસ્તારમાં ચૌધરી સમાજના અંદાજે ૭ લાખ જેટલા મતદારો છે.
31 હજાર રોકડ અને દસ્તાવેજો કબજે લેવાયા
20 સપ્ટેમ્બરના રોજ વિપુલ ચૌધરીના ઘરે ACBની ટીમે તપાસ આદરી હતી. ગાંધીનગરમાં વહેલી સવારે 4 વાગ્યથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગાંધીનગર ACBટીમે 15 વર્ષ અગાઉના એક કેસમાં તપાસ અર્થે રેડ કરી હતી. માણસા રોડ પર પંચશીલ બંગલો પર કરેલી આ તપાસમાં ACBની ટીમને 31 હજાર રોકડ રકમ હાથ લાગી હતી. તેમજ તે સિવાય અન્ય દસ્તાવેજો પણ કબ્જે કરાયા હતા. વિપુલ ચૌધરીના પત્ની સહિત સમગ્ર પરિવાર ઘરેથી ગાયબ જોવા મળ્યો હતો.
- Advertisement -
800 કરોડના કૌભાંડનો આરોપ
મહત્વનું છે કે રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 800 કરોડના કૌભાંડનો આરોપ છે. જેને લઇ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેઓની ગાંધીનગર ખાતેથી ગત ગુરુવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે વિપુલ ચૌધરીની ધરપકડ થતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
ભગતસિંહના માર્ગે ચાલી ઉગ્ર આંદોલન કરવામાં આવશે: અર્બુદા સેનાનો વિરોધ
વિપુલ ચૌધરી છેલ્લા કેટલાક સમયથી સમગ્ર ઉત્તર ગુજરાતના ગામેગામ ફરી અર્બુદા સેનાનું સંગઠન ઊભું કરી રહ્યા હતા. 18 સપ્ટેમ્બરના રોજ ધાનેરાના નેનાવા ગામે ભવ્ય આક્રોશ મહાસંમેલન યોજાયું હતું. જેમાં ચૌધરી સમાજના સંતો મહંતો કોંગ્રેસના ધારાસભ્યો અને અર્બુદા સેનાના આગેવાનો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી. તમામ લોકોએ એક સુરે થઇ જણાવ્યું હતું કે જો વિપુલ ચૌધરીને સાત દિવસમાં છોડવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધીજીના માર્ગે ચાલવાને બદલે ભગતસિંહના માર્ગે ચાલી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમજ આવનાર ચૂંટણીમાં ભાજપને બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.