સમસ્ત મહેર સમાજના આયોજન હેઠળ તા. 24 ઓક્ટોબર, શુક્રવારના રોજ સાંજે 4:30 કલાકે છાંયાના ડો. વિરમભાઈ રાજાભાઈ ગોઢાણિયા મહેર સમાજ ખાતે નૂતન વર્ષ સ્નેહ મિલન તથા અભિવાદન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા બાબુભાઈ બોખીરિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. બાબુભાઈ બોખીરિયાએ જણાવ્યું કે, મહેર જ્ઞાતિની વસ્તી ભલે ટૂંકી – આશરે ચાર લાખ જેટલી – હોવા છતાં છેલ્લા દાયકાઓમાં ગુજરાત સરકારમાં સતત ચાર મહેર મંત્રીઓએ સ્થાન મેળવી સમાજનું ગૌરવ વધાર્યું છે.
તેમણે સમાજની એકતા, વિકાસ અને યુવા પેઢીને પ્રેરિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. અર્જુનભાઈ મોઢવાડિયાએ મહેર સમાજમાં એકતા ઉભી કરવા, યુવાનોને મહેનત અને હકારાત્મક અભિગમ સાથે સમાજ વિકાસ માટે જોડાવા પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું કે, સમાજના વિકાસકાર્યોમાં સહકાર અને સંયુક્ત દૃષ્ટિકોણથી આગળ વધવાથી જ સાચો પ્રગતિ માર્ગ પ્રાપ્ત થાય છે. ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરાએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી તેમજ સમાજના આગામી કાર્યક્રમોમાં સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી. સ્નેહ મિલન સમારોહમાં પોરબંદર, બરડા તેમજ આસપાસના વિસ્તારોમાંથી મહેર ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ, માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, મહેર સમાજ છાંયા, મહેર શક્તિ સેના, બરડા વિકાસ સમિતિ, ઘેડ સામાજિક વિકાસ સમિતિ, મહેર આર્ટ પરિવાર, મહેર મહિલા વિકાસ મંડળ, શક્તિ સેના મહિલા મંડળ સહિત વિવિધ સામાજિક સંસ્થાઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જ્યારે ભાણવડ એમ્બ્યુલન્સ પરિવાર અને છાંયા રાસ મંડળીએ પાઘડી, ફૂલહાર અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી મહાનુભાવોનું સન્માન કર્યું હતું.



 
                                 
                              
        

 
         
        