લાંબા સમય બાદ મોરબીમાં મેઘમહેર ! વાંકાનેર-ટંકારામાં સવા ઈંચ અને માળીયામાં 13 મીમી
ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર સૌરાષ્ટ્રમાં જુલાઈ મહિનામાં થયેલા વરસાદ બાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં કેટલાક વિસ્તારને બાદ કરતાં મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ થયો ન હતો જેના કારણે ચોમાસુ પાકને અસર થઈ છે. આવી સ્થિતિમાં વધું એક વરસાદની રાહ જોવાઈ રહી હતી ત્યારે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે એક મજબૂત વરસાદી સિસ્ટમ તૈયાર થઈ હતી જે શનિવારે ગુજરાત સુધી પહોંચીને દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં તોફાની વરસાદ લઈને આવી છે. રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે આ વરસાદી સિસ્ટમ હવે ધીમે ધીમે સૌરાષ્ટ્ર કચ્છ તરફ આગળ વધી રહી છે અને તેની અસર રવિવારથી મોરબી જિલ્લામાં જોવા મળી હતી અને આખો દિવસ વાદળની આવન જાવન વચ્ચે ગરમીમાં આંશિક રાહત રહી હતી તો સાંજના સમયે વાતાવરણમાં થોડો વધુ બદલાવ આવતાની સાથે ઠંડો પવન ફુંકાવાની શરૂઆત થઈ ગઈ હતી અને રાતથી વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી.
- Advertisement -
જેમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં મોરબીમાં 19 મીમી વરસાદ વરસ્યો હતો જયારે હળવદમાં 28 મીમી વરસાદ નોંધાયો હતો તો ટંકારામાં 5 મીમી જયારે માળીયા મિંયાણામાં 13 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત સોમવારે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં મોરબીમાં 17 મીમી, વાંકાનેરમાં 28 મીમી જયારે હળવદમાં 49 મીમી વરસાદ નોંધાયો હતો અને ટંકારામાં પણ ધીમી ધારે 13 મીમી વરસાદ વરસ્યો હતો તો સવારે 10 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં હળવદમાં 21 મીમી, ટંકારામાં 13 મીમી, મોરબીમાં 10 મીમી અને વાંકાનેરમાં 2 મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે માળીયામાં વરસાદ નોંધાયો નથી.