હજનાળી ગામે એક જ વરસાદમાં તળાવ ભરાઈ ગયું
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં ચોમાસું વિધિવત બેસી ગયું હોવા છતાં હજુ સુધી મેઘરાજા મનમૂકી વરસ્યા નથી જેના કારણે ખેડૂતો પુરતી વાવણી કરી શક્યા નથી અને ચોમાસું પાકનું પણ સમયસર વાવેતર કરી શક્યા નથી. હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને આગાહી જાણે સાચી પડી હોય તેમ મોરબી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં મુશળધાર વરસાદ પડ્યો હતો જેના પગલે ખેડૂતોમાં હર્ષની લાગણી પ્રસરી ગઈ હતી જયારે મોરબી જિલ્લાના શહેરી વિસ્તારો કોરા કટ્ટ રહ્યા છે.મોરબી જીલ્લાના ટંકારા પંથકમાં સોમવારે બપોરે 2 થી 4 દરમિયાન 19 મીમી વરસાદ વરસી ગયો હતો તો 4 થી 6 દરમિયાન મોરબી માળીયા તાલુકાના દરિયાકાંઠાના ગામોમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા.
- Advertisement -
મોરબીના નવલખી પોર્ટ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સારો એવો વરસાદ વરસી ગયો હતો તો હજનાળી ગામમાં મેઘો મન મુકીને વરસી પડતા એક જ વરસાદમાં તળાવ ભરાઈ ગયું હતું જયારે મોરબી, માળીયા, વાંકાનેર અને હળવદના શહેરી વિસ્તારોમાં વરસાદ થયો ન હતો અને કાળા ડીબાંગ વાદળ છવાયા હતા તેમજ ઠંડા પવન ફૂંકાયા હતા.