શહેરના મુખ્ય માર્ગો પાણી પાણી થયા, વાહનચાલકોને હાલાકી
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યભરમાં હવે ચોમાસુ ધીમે ધીમે જામી રહ્યું છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લામાં ભલે મેઘસવારી મોડી આવી પરંતુ આવ્યા બાદ મંગળવારે જમાવટ કરી દીધી હતી અને બે ઈંચથી વધુ મહેર વરસાવી દેતાં લોકોના હૈયે પણ ટાઢક થઈ છે ત્યારે મોરબીના શનાળા રોડ નજીકના જીઆઈડીસી વિસ્તાર, ક્ધયા છાત્રાલય રોડ, સરદારબાગ સહિતના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ હતી અને અનેક વાહનમાં પાણી ઘૂસી જતા વાહન પણ બંધ પડી ગયા હતા જયારે ટંકારા તાલુકાના નિંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મોરબી જીલ્લામાં જૂન મહિનામાં માત્ર 7 ઈંચ જેટલો જ વરસાદ થયો હતો અને હવે જુલાઈ મહિનામાં વરસાદની શરૂઆત સારી થઈ છે જેમાં મંગળવારે દિવસ દરમિયાન આકરી ગરમીનો અનુભવ કરાવ્યા બાદ સાંજના સમયે ઘટાટોપ વાદળ આવી ચઢ્યા હતા અને પવનની સાથે વરસાદ શરૂ થયો હતો. સતત અડધી કલાક સુધી ક્યારેક ધીમો તો ક્યારેક અનરાધાર વરસાદ થતાં રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા અને લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘમહેર વરસી જતા ખેડૂતો અને શહેરીજનોમાં હરખની હેલી જોવા મળી હતી.
- Advertisement -
મોરબી જીલ્લામાં મંગળવારે બપોર બાદ મેઘરાજાએ આછેરી ઝલક બતાવી હેત વરસાવતા સૌથી વધુ મોરબી તાલુકામાં 54 મીમી વરસાદ નોંધાયો હતો જયારે ટંકારામાં 48 મીમી, વાંકાનેરમાં 33 મીમી, હળવદમાં 10 મીમી અને માળિયામાં ફક્ત 5 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર મંગળવારે સાંજે 4 થી 6 દરમિયાન મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં 19 મીમી, ટંકારામાં 40 મીમી, વાંકાનેરમાં 30 મીમી અને માળીયામાં 3 મીમી વરસાદ નોંધાયો હતો જયારે મોરબી જીલ્લામાં સિઝનનો કુલ વરસાદ જોઈએ તો સૌથી વધુ ટંકારા તાલુકામાં 159 મીમી, વાંકાનેર તાલુકામાં 84 મીમી, મોરબી તાલુકામાં 83 મીમી, માળીયા તાલુકામાં 48 મીમી જયારે સૌથી ઓછો હળવદ તાલુકામાં 30 મીમી વરસાદ નોંધાયો હતો.