આવ રે… વરસાદ ઢેબરીયો પરસાદ ઊની ઊની રોટલીને કારેલાનું શાક
અનેક તાલુકામાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ
- Advertisement -
અસહ્ય ગરમી વચ્ચે મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંડક
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
જૂનાગઢમાં ગઈકાલ બપોરે વાતવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે પવનની ગતિ વધી હતી અને મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. વીજળીના ચમકારા સાથે ગાજવીજ વરસાદ શરુ થયો હતો ત્યારે અસહ્ય ગરમી વચ્ચે વરસાદ શરુ થતા લોકોએ ખુશી વ્યક્ત કરી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોના મોઢે આવ રે…. વરસાદ ઢેબરીયો પરસાદ ઉની ઉની રોટલીને કરેલાનું શાક આ પંક્તિ સાંભળવા મળી હતી અને લોકો ઘર બહાર નીકળી ન્હાવા નીકળી પડયા હતા. તેની સાથે જિલ્લાના અનેક તાલુકામાં વરસાદના મંડાણ થતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો હતો. જૂનાગઢ જિલ્લામાં ગઈકાલ સત્તાવાર રીતે ચોમાસાના પ્રારંભે વરસાદનું આગમન થયું હતું 15 જૂનથી વિધિવત રીતે વરસાદ શરુ ગત રોજ થી શરુ થતા આજે પણ બપોરના 2 વાગ્યા સુધી વરસાદી માહોલ જામ્યો છે અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. અને ચાર – પાંચ દિવસ વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે તેમ હવામાન વિભાગનું કેહવું છે. જયારે અનેક તાલુકામાં વાવણી લાઈક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે અને વાવણી કાર્યમાં જોતરાઈ ગયા છે. અને ઘરે ઘરે લાપસીના આંધણ મંડાઈ ગયા છે. જૂનાગઢ જીલ્લમાં ગઈકાલથી શરુ થયેલ વરસાદ આજ બપોર સુધી વરસી રહ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ મેંદરડામાં 3 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે જયારે જૂનાગઢ, વંથલી, માણાવદર, કેશોદ, વિસાવદરમાં 1 થી 2 ઇંચ વરસાદ નોંધાયો છે જયારે ભેસાણ અને માળીયા હાટીનામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. આમ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને 1 થી 3 ઇંચ વરસાદ વરસતા લોકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. આમ વરસાદની ચાતક નજરે રાહ જોતા ખેડૂતોમાં અનરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પ્રથમ વરસાદે શહેરમાં ખોદેલા ખાડાથી લોકોને મુશ્કેલી
જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે મહાનગર પાલિકા દ્વારા અનેક જગ્યાએ ભૂગર્ભ ગટર સાથે પાણીની લાઈનો માટે હજુ કામગીરી ચાલુ હોવાના કારણે અનેક રસ્તાઓ વ-નવે જાહેર કર્યા તો છે શહેરમાં પણ હજુ અનેક જગ્યા પર ખુલ્લા ખાડા જોવા મળી રહ્યા છે જેના લીધે વાહન ચાલકો અને રાહદારીઓ હાલાકી ભોગવી રહ્યા છે બીજી તરફ હજુ થોડાજ દિવસોમાં બનાવેલ રોડ ધોવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ગત રોજ વરસાદ પડતા શહેરમાં કાંકરી નાખવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. જેના કારણે પણ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે હજુ આ બે-ચાર દિવસ સારો વરસાદ પડશે ત્યારે શહેરના રસ્તાઓની હાલત વધુ ખરાબ થશે તેમ શહેરીજનો માની રહ્યા છે.