પોલીસે દેશી દારૂની ચાર ભઠ્ઠી ઝડપી પાડી, પાંચ આરોપીઓ વિરૂદ્ધ ગુન્હો દાખલ
આઠ અધિકારીઓ અને 60 પોલીસ જવાનો સાથે સઘન કોમ્બીંગ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લામાં પોલીસે દેશી દારૂના અડ્ડા શોધી કાઢવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો છે જેમાં ડ્રોન કેમેરા મારફત જ્યાં જ્યાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી દેખાઈ ત્યાં તુરંત જ પોલીસની ટિમો ત્રાટકી હતી. આ રીતે મોરબી જિલ્લામાં 8 પોલીસ અધિકારીઓ અને 60 પોલીસ કર્મચારીઓએ ડ્રોન કેમેરાથી માળીયાના નવાગામમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને પોલીસે સઘન કોમ્બીંગ કરીને ચાર દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી હતી તેમજ ત્રણ બુટલેગરોને ઝડપી લીધા હતા.
મોરબી જિલ્લામાં ઠેર ઠેર દેશી દારૂના હાટડા ધમધમતા હોવાથી દારૂબંધી માત્ર કાગળ ઉપર જ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મોરબી જીલ્લાના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂનો ધમધોકાર વેપલો ચાલતો હોય આ દેશી દારૂથી અનેક પરિવારો બરબાદ થયા હોવાથી દેશી દારૂની બદી સમાજના હિત માટે જોખમી હોવાથી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના આદેશને પગલે સમગ્ર જિલ્લા પોલીસ દેશી દારૂના હાટડાઓ ઉપર તૂટી પડી હતી જેમાં દેશી દારૂના હાટડાના લોકેશન શોધવા માટે પોલીસે ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો હતો અને પ્રથમ માળીયાના નવાગામમાં 8 જેટલા જુદી જુદી પોસ્ટના પોલીસ અધિકારીઓ અને 60 પોલીસ કર્મચારીઓએ બી.ડી.ડી.એસ. ટીમ ડ્રોન કેમેરાથી સર્ચ ઓપરેશન કરીને ચાર દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી તેમજ આ દેશી દારૂના હાટડા ચલાવતા બુટલેગર મહેબૂબ ઈશાભાઈ મિયાણા, ગફુર ઇશાભાઈ જામ અને રશિદાબેન અબ્દુલભાઈ જામની ધરપકડ કરી હતી જ્યારે અબ્દુલભાઈ ઉર્ફે પોપો અહેમદભાઈ જામ અને જુમાંભાઈ હૈદરભાઈ જામ ફરાર થઇ ગયા હતા તેમજ પોલીસે દેશી દારૂ બનાવવાનો રૂ.2700 ની કિંમતનો 1350 લીટર આથો કબ્જે કરીને આગળની તપાસ હાથ ધરી હતી.