જિલ્લા-તાલુકા મથકે ફોજદારી, ચેક રિટર્ન, અકસ્માત સહિતના કેસો ધ્યાને લેવાશે
બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે : મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શાહ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટ ઘ્વારા આગામી તારીખ 13 ડિસેમ્બરના રોજ રાજકોટ જીલ્લાની રાજકોટ જીલ્લા મથકે તથા તાલુકા મથકે આવેલ તમામ અદાલતોમાં મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવનાર છે આ લોક-અદાલતમા દાખલ થયેલ કેસ તથા અદાલતમાં દાખલ થાય તે પહેલાં (પ્રીલીટીગેશન) કેસો હાથ પર લેવામાં આવનાર છે આ લોક-અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશીએબલ એકટની કલમ-138 ( ચેક રીટર્ન અંગેના કેસો) હેઠળના કેસો, બેન્ક લેણાના કેસો, મોટર અકસ્માત વળતરને લગતા કેસો, લગ્નવિષયક કેસો, મજુર અદાલતના કેસો, જમીન સંપાદન ને લગતા કેસો, ઈલેકટ્રીસીટી તથા પાણીના બીલોને લગતા કેસો, રેવન્યુ કેસીસ, દિવાની પ્રકારના કેસો (ભાડા, સુખાધિકારના કેસો, મનાઈ હુકમના દાવા, કરાર પાલનના દાવા) તથા અન્ય સમાધાન લાયક કેસો હાથ પર લેવામાં આવનાર છે.
- Advertisement -
જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, રાજકોટના ચેરમેન તથા મુખ્ય જીલ્લા ન્યાયાધીશ જે. આર. શાહ ધ્વારા તમામ પક્ષકારોને અનુરોધ કરવામાં આવેલ છે કે, લોક-અદાલતમાં તેઓના કેસ મુકી નિર્ણિત કરવામાં આવે તો બન્ને પક્ષકારોને લાભ કર્તા છે, બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે તથા કોઈનો વિજય નહી તેમજ કોઈ નો પરાજય નહી તેવી પરીસ્થિતી ઉદભવે છે અને તે કારણસર પક્ષકારો વિવાદ મુકત બને છે તથા વૈમનસ્યથી મુકત થવાય છે તેમજ પક્ષકારોની સમજણ તથા સમજુતીથી કેસનો નિકાલ થયેલ હોય અપીલ થતી નથી જેથી ભવિષ્યના વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે છે. જેથી આગામી તારીખ:-13.12.2025 ના રોજ યોજાનાર લોક-અદાલતમાં તમામ પક્ષકારોને સક્રીય ભાગ લેવા તથા જે પક્ષકારો પોતાનો કેસ આગામી લોક-અદાલતમાં મુકવા માગતા હોય, તેઓ તેઓના વકીલશ્રી મારફતે અથવા તો સીધા જે તે કોર્ટનો સંપર્ક કરી તેઓનો કેસ લોક-અદાલતમાં મુકવા કાર્યવાહી હાથ ધરી શકે છે. જેથી સદર લોક-અદાલતનો મહત્તમ લાભ લઈ વધુને વધુ કેસો લોક-અદાલતમાં મુકાવી, લોક-અદાલતને સફળ બનાવવા અનુરોધ કરેલ છે.



