રાજકોટ મહાનગરપાલિકા અને રેલવે વિભાગ દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં દબાણ હટાવવાની મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સીડીએસ બિપિન રાવત અંડરબ્રિજ પાસે આવેલી અંદાજે પાંચ એકર જેટલી સરકારી જમીન પરના દબાણો દૂર કરવા માટે સોમવારે (નવમી માર્ચ) વહેલી સવારથી જ તંત્રનો કાફલો ત્રાટક્યો હતો.

- Advertisement -
400 પોલીસ જવાનો તહેનાત
મળતી માહિતી અનુસાર, લક્ષ્મીનગર અંડરબ્રિજ પાસે રેલવેની જમીન પર વર્ષોથી ખડકાયેલા 350થી વધુ ઝૂંપડાઓને દૂર કરવા માટે ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. આ કામગીરી દરમિયાન સ્થાનિકો અને તંત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. સ્થિતિને કાબૂમાં લેવા માટે રેલવે પોલીસ, માલવિયાનગર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના 400થી વધુ પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

- Advertisement -
87 હજાર ચોરસ મીટર જમીન કરાશે ખુલ્લી
તંત્ર દ્વારા આ મેગા ડિમોલિશનને સાત અલગ-અલગ ઝોનમાં વહેંચીને આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવ્યું છે. આશરે 87,000 ચોરસ મીટર વિસ્તારમાં થયેલા કાચા-પાકા દબાણો તોડી પાડવામાં આવી રહ્યા છે. આજી નદીના કિનારે રિવરફ્રન્ટ વિકાસ અને ટી.પી. રોડ ખુલ્લો કરવાના હેતુથી આ કાર્યવાહી હાથ ધરાઈ છે. ઉચ્ચ અધિકારીઓ, ટેકનિકલ સ્ટાફ, સુપરવાઈઝર અને ફિલ્ડ કર્મચારીઓની મોટી ટીમ જેસીબી (JCB) મશીનો સાથે આ કામગીરીમાં જોડાઈ છે.

તંત્રની કડક કાર્યવાહી
પોતાના ઘર ગુમાવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સરકારી પ્રોજેક્ટ્સ અને ટી.પી. સ્કીમના અમલીકરણ માટે આ દબાણો દૂર કરવા અનિવાર્ય છે. કોઈપણ દેખાવો ખાળવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.




