ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટને લઈ દબાણ હટાવવાની કામગીરીથી લોકોમાં રોષ
ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર
- Advertisement -
ભાવનગરમાં મેગા ડિમોલેશન કાર્યવાહી હાથ ધરાઈ. મનપા દ્વારા શહેરમાં 800થી વધુ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરતા લોકોમાં રોષ જોવા મળ્યો. ગઢેચી નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટને લઈ મોતીતળાવ કુંભારવાડામાં મનપાએ મેગ઼ા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી. મનપાની મેગ઼ા ડિમોલિશન કાર્યવાહી શરૂ કરતા સ્થાનિકોનો ટોળા એકત્ર થયા. જેસીબી હિટાચી સહિતના સાધનો સાથે મહાનગરપાલિકાની ટીમ દ્વારા ડિમોલેશન હાથ ધરાયું. દબાણ હટાવ કામગીરીને લઈને લોકોમાં રોષ ભભૂકી ઉઠતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.
ગઢેચી નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટને લઈ મોતીતળાવ કુંભારવાડાના દબાણ હટાવવાની કામગીરી શરૂ કરતાં પહેલા મનપા દ્વારા નોટિસ આપવામાં આવી હતી.
આ નોટિસ બાદ શહેર કોંગ્રેસ અને સ્થાનિકો એકઠા થયા હતા અને આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ તંત્ર દ્વારા રજૂઆત કરાઈ હતી કે આ વિસ્તારના અનેક મકાનો ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યા છે. સરકારની જમીનને ખોટી રીતે પચાવી પાડવામાં આવી છે. મનપાના ડિમોલિશનની કામગીરી સામે રોષે ભરાયેલ સ્થાનિકે કહ્યું કે સરકાર દબાણો દૂર કરે છે પણ અંહી 800 મકાનમાં રહેતા સ્થાનિકો ક્યાં જશે અને કેવી રીતે તેમનો જીવન નિર્વાહ કરશે તેની સમસ્યાને લઈને કરવામાં આવેલ રજૂઆતના કોઈ જવાબ આપવામાં આવ્યા નથી. આથી જ અમારી માંગ છે કે કે તંત્ર દ્વારા અમને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવે અને ત્યારબાદ જ દબાણ હટાવ કામગીરી શરૂ કરવામાં આવે.
નોંધનીય છે કે ભાવનગર શહેરના બોળતલાવ ના પૂર્વ ભાગમાં આવતી ગઢેચી નદીને મનપા શુદ્ધિકરણ કરવાની કામગીરી હાથ ધરી છે. ગઢેચી પ્રોજેક્ટની જાહેર કર્યા બાદ આ પ્રોજેક્ટમાં આવતા ગેરકાયદેસર બાંધકામોને નોટિસ પાઠવવામાં આવી હતી.
ગઢેચી નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટને લઈ ક્રિક વિસ્તારના અંદાજે 819 જેટલા મકાનોને નોટિસ અપાઈ હતી કે 7 દિવસની અંદર આ મકાનમાં રહેતા રહીશો તેમનું મકાન કાયદેસર હોવાનો દસ્તાવેજ રજૂ કરે અથવા મકાન ખાલી કરે. અને આ નોટિસની મુદત પૂર્ણ થયા બાદ હાલમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. હાલમાં રાજ્યભરમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આ જ કાર્યવાહી અંતગર્ત ભાવનગરમાં પણ અનેક ગેરકાયદે બાંધકામોને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.