88,750 ચો.મી. સરકારી જમીન પરથી 1509 ગેરકાયદે મિલકતોના દબાણ દૂર કરાયા: બે દિવસ ચાલેલા આ ડીમોલિશનમાં બુલડોઝર, ટ્રેક્ટર અને ટ્રોલી સહિત કુલ 261 મશીનરીનો ઉપયોગ કરાયો
આજથી લાખો ટન કાટમાળને કોઠારિયાની ખાણમાં નાખવાનું શરૂ: પોલીસ અને મનપાના સંયુક્ત માઈક્રો પ્લાનિંગને કારણે કામગીરી શાંતિપૂર્ણ રીતે પરિપૂર્ણ થઈ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના વોર્ડ નં-16ના જંગલેશ્ર્વર વિસ્તારમાં થયેલી વિશાળ ડીમોલિશન કાર્યવાહી અંગે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી વિગતવાર માહિતી આપી હતી. કમિશનરે જણાવ્યું કે, તા. 23 અને 24 ફેબ્રુઆરી દરમિયાન કુલ 1509 મિલકતો તોડી દબાણ દૂર કરી 88,750 ચો.મી. જમીન મુક્ત કરવામાં આવી છે જેની બજાર કિંમત અંદાજે 350 કરોડની માનવામાં આવી રહી છે.
આ કામગીરીમાં કુલ 1512 પોલીસ તથા મનપાનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હતોતેમજ 261 જેટલી મશીનરી, જેમાં બુલડોઝર, ટ્રેક અને ટ્રોલીનો સમાવેશ થાય છે, કાર્યરત રાખવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ 1509 મિલકતો તોડી પાડવામાં આવી અને અંદાજે 88,750 ચોરસ મીટર જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યું છે. સમગ્ર કામગીરીનું મોનિટરીંગ કંટ્રોલ રૂમ બનાવીને ઉચ્ચ પોલીસ અને મનપા અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
તોડી પાડવામાં આવેલી મિલકતોમાં 500 કાચા અને 989 પાક્કા મકાનોનો સમાવેશ થાય છે. અંદાજે 150 મકાનો 100 ચોરસ મીટરથી વધુ વિસ્તારના હતા જ્યારે 200 મકાનો આધુનિક સુવિધાઓથી સજ્જ હતા. આશરે 500 મકાનો એવા હતા જેમાં સ્લેબ નહોતા. ઉપરાંત 750થી વધુ મકાનોની અંદાજિત કિંમત રૂ. 5 લાખ જેટલી હતી અને 250 મકાનોની કિંમત રૂ. 15 થી 20 લાખ વચ્ચે હોવાનું મનાય છે.
કમિશનરે વધુમાં જણાવ્યું કે દબાણમુક્ત કરાયેલ જગ્યાએ સવા બે કિલોમીટર લાંબો રોડ બનાવવામાં આવશે. હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે અને કાટમાળ દૂર થતાં જ માર્ગ નિર્માણનું કામ શરૂ કરવામાં આવશે. મનપાનું લક્ષ્ય છે કે 10 દિવસમાં રોડનું કામ પૂર્ણ કરવામાં આવે. સાથે જ આગામી પાંચ વર્ષમાં 30 હજાર આવાસ ફ્લેટ બનાવવાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવશે, જે શહેરના સુવ્યવસ્થિત વિકાસ અને રહેણાંક સુવિધા વધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
આગામી પાંચ વર્ષમાં રાજકોટ મનપા 30 હજાર આવાસના ફ્લેટ બનાવશે
- Advertisement -
મ્યુનિ. કમિશનરે મોટી જાહેરાત કરી હતી કે, શહેરના સુવ્યવસ્થિત વિકાસને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકા દ્વારા આગામી પાંચ વર્ષમાં 30 હજાર આવાસ ફ્લેટ બનાવવાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરાશે. ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને લાભ મળશે. પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના પરિવારોને સસ્તા અને સુરક્ષિત આવાસ પ્રદાન કરવાનો છે.
અનેક અસામાજિક પ્રવૃતિઓનું નેટવર્ક ચાલતું હતુ: DCP હેતલ પટેલ
જંગલેશ્ર્વર ડીમોલિશન મુદ્દે ડીસીપી હેતલ પટેલે માહિતી આપી હતી કે, આ વિસ્તારમાં અનેક ગુનાહિત પ્રવૃતિઓ ચાલતી હતી જેમાં વ્યાજખોરીથી લઈ અસામાજિક પ્રવૃતિ ચાલતી હતી. છેલ્લા 10 વર્ષમાં 260થી વધુ ગુનાઓ નોંધાયા હતા. આ વિસ્તારમાં આર્મ્સ એક્ટના 61, જુગારના 65 અને ખૂન-અપહરણ જેવા ગંભીર ગુનાઓનો લાંબો ઇતિહાસ રહ્યો છે, અને છેલ્લા 10 વર્ષમાં 58 જેટલા આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ડીમોલિશન દરમિયાન 11 ગુનેગારોના 8 પાક્કા મકાનો, 97 ઓરડીઓ 2 દુકાનો અને એક પ્લોટ પરનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યુ છે.



