અમદાવાદ પોલીસે 4366 હોટલો લોજ ગેસ્ટ હાઉસ અને 35306 વાહન ચેકીંગ કર્યા
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
અમદાવાદ શહેર પોલીસે તાજેતરમાં યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્વક માહોલમાં યોજાય તે માટે વાહન ચેકીંગ, હથિયારધારાના કેસો, પ્રોહીબિશનના કેસો, અટકાયતી પગલાઓ, તડીપાર ઈસમોને ચેક કરવા, હથિયાર બંધી જાહેરનામાના કેસો કરવા, વિગેરે સંબંધી કામગીરી કરવા ખાસ ઝુંબેશ શરૂ કરી છે. તેમજ કાર્યવાહી કરવા શહેરના તમામ સ્ટેશન અમલદારો તથા પોલીસ અધિકારીઓને સૂચનાઓ આપી છે.
ભગવાન જગન્નાથજીની રથયાત્રા અનુસંધાને અમદાવાદ શહેર ઝોન 4ના નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ, ઝોન 5ના નાયબ પોલીસ કમિશનર બળદેવ દેસાઈ, ઝોન 6ના નાયબ પોલીસ કમિશ્નર રવિ મોહન સૈની દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અસામાજિક તત્વો દ્વારા કોઈ અનિચ્છનીય પ્રવૃત કરવામાં ન આવે તેમજ રથયાત્રા નિર્ભયતા ભર્યા વાતાવરણમાં, ધાર્મિક શાંતિના માહોલ વચ્ચે યોજાય તે માટે કાર્યવાહી કરવા માટે આપેલી સૂચનાના આધારે અમદાવાદ શહેર જે ડિવિઝનના ડીસીપી પ્રદિપસિંહ જાડેજા, એસીપી યુવરાજસિંહ ગોહિલ, એસીપી કૃણાલ દેસાઈ, એસીપી આર.ડી.ઓઝાના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે આગામી સમયમા નીકળનારી રથયાત્રા અનુસંઘાને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ ઝુંબેશનુ આયોજન કરવામા આવ્યુ છે.
જેમા સેક્ટર 2 વિસ્તારના પોલીસ સ્ટેશનો ખાતે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
સેક્ટર 2 વિસ્તારના ઝોન 4, 5 અને 6 વિસ્તારમાં પ્રોહીબિશનના કેસો 1458, જુગારના 122 કેસો, આર્મ્સ એક્ટ મુજબ દરિયાપુર અને નારોલ ખાતે ત્રણ હથિયારો પકડી પાડી, 2 કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન 89 માથાભારે ઇસમો વિરુદ્ધ પાસાધારા મુજબ અને 31 ઇસમો વિરુદ્ધ તડીપારની કાર્યવાહી કરવામાં આવી છે. સેક્ટર 2 વિસ્તારના પોલીસ સ્ટેશનો ખાતે અટકાયતી પગલાંની કાર્યવાહીમાં કુલ 261 ઇસમો અને પ્રોહી. 93 મુજબ 303 ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત, સમગ્ર પૂર્વ વિસ્તારમાં અવારનવાર સઘન વાહન ચેકીંગ હાથ ધરી, હથિયાર ધારા જાહેરનામાં ભંગના કુલ 241, હદપારી ભંગ બદલ કુલ 27, નશો કરીને વાહન ચલાવતા 141 કેસો, નાસતા ફરતા વોન્ટેડ 3 આરોપીઓ, ભાડુઆત જાહેરનામાં ભંગ બાબત 260 વિરુદ્ધ કાર્યવાહી અને મોબાઈલ સીમકાર્ડ ડીલર વિરુદ્ધ 32 કેસ કરી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન અવાર નવાર ચેકીંગ હાથ ધરી 10853 ગુન્હેગારો અને હિસ્ટ્રીશીટરો, 4366 હોટલો, લોજ , ગેસ્ટ હાઉસ, 3948 બાગ બગીચા રેલવે સ્ટેશન, અવાવરૂ જગ્યાઓ, 189 જેટલા કેરોસીન ગેસ વિતરક ચેક કર્યા અને 35306 વાહન ચેકીંગ કરવામાં આવ્યા છે.
અધિક પોલીસ કમિશ્નર, સેક્ટર 2 જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ સેક્ટર 2 વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં સોશિયલ પોલીસિંગની દિશામાં રથયાત્રા દરમિયાન જુદી જુદી કોમ વચ્ચે સૌહાર્દપૂર્ણ વ્યવહાર જળવાઈ રહે અને કોઈ અસામાજિક તત્વો વૈમનસ્ય ફેલાવવામાં સફળ ના થાય એ હેતુથી 59 શાંતિ સમિતિ ની મિટીંગો, 72 મહોલ્લા સમિતિ મિટિંગ, 6 ધર્મગુરુઓ સાથે મિટિંગ, 7 ટ્રક એસોસિએશનની મિટિંગ, 4 અખાડા સંચાલકો સાથે મિટિંગ અને 2 બ્લડ ડોનેશન કેમ્પ પણ કરવામાં આવ્યા છે. આમ, સેક્ટર 2 વિસ્તારના પોલીસ સ્ટેશનો ખાતે રથયાત્રા સંબંધે ખાસ ચેકીંગ અને કોમ્બિંગ રાખી અસરકારક કામગીરી કરવામાં આવી છે.