ચીન-અમેરિકાના દ્વિપક્ષીય સંબંધો સુધારવા અને તંગદિલી ઓછી કરવા વિવિધ સ્તરે સંવાદ શરૂ રાખવા બંને નેતાઓ સહમત
ખાસ-ખબર સંવાદદાતા
ચીનની મુલાકાતે ગયેલા અમેરિકન વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે બંને દેશોના સંબંધો સુધારવા માટે સહમતી થઈ હતી. તાઈવાન મુદ્દે ચીન કોઈ બાંધછોડ નહીં કરે એવું પણ ચીનના પ્રમુખે અમેરિકન વિદેશ મંત્રીને સ્પષ્ટ કહ્યું હતું. બંને દેશોના નેતાઓ વચ્ચે કરારો થયા હતા, પરંતુ એ બાબતે વધુ માહિતી જાહેર કરવામાં આવી ન હતી.
- Advertisement -
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કન ચીનની મુલાકાતે પહોંચ્યા છે. છેલ્લાં પાંચ વર્ષમાં ચીનની મુલાકાતે જનારા બ્લિન્કન પ્રથમ નેતા છે. અગાઉ તેમની ચીન મુલાકાત યોજાવાની હતી, પરંતુ ચીનની સ્પાય બલૂન અમેરિકામાં તોડી પડાયા તે વખતે ફેબુ્રઆરીમાં યાત્રા રદ્ થઈ હતી. ચીનની મુલાકાત દરમિયાન બ્લિન્કને ચીનની વિદેશ મંત્રી કિન ગોંગ સાથે સાડા સાત કલાક લાંબી ચર્ચા કરી હતી. તાઈવાન, દ્વિપક્ષીય વેપાર, માનવ અધિકાર અને સાઈબર સુરક્ષા સહિતના વિવિધ મુદ્દે થયેલી ચર્ચા બાદ અમેરિકન વિદેશ મંત્રીની મુલાકાત ચીનની પ્રમુખ શિ જિનપિંગ સાથે થઈ હતી.
જિનપિંગે કહ્યું હતું કે બાલીમાં બાઈડેન સાથે જે મુલાકાત થઈ હતી અને એમાં બંને પક્ષે જે સમજૂતિ થઈ હતી એ પ્રમાણે જ ચીન આગળ વધી રહ્યું છે. કેટલાક મુદ્દે બંને દેશો વચ્ચે તંગદિલી અને ગૂંચ છે તે ઉકેલવાના પ્રયાસો શરૂૂ થયા છે. બે દેશો વચ્ચેનો સંવાદ હંમેશા ગંભીરતાથી અને સન્માનથી થવો જોઈએ. મને આશા છે કે બ્લિન્કનની ચીન યાત્રાથી બંને દેશોના સંબંધોમાં હકારાત્મક અસર થશે.
ચીને તાઈવાન મુદ્દે કોઈ જ બાંધછોડ ન કરવાની સ્પષ્ટતા કરી હોવાનું પણ અહેવાલોમાં કહેવાયું હતું. ચીને વન ચાઈના પોલિસીને વળગીને સંબંધો સુધારવા પર ભાર મૂક્યો હતો. અમેરિકન વિદેશ મંત્રીએ બંને દેશોના સંબંધો સુધારવાને પ્રાથમિકતા આપી હતી. બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં વેપાર અને આયાત-નિકાસને નવી ઊંચાઈએ પહોંચાડવાની કટિબદ્ધતા અમેરિકાએ રજૂ કરી હતી. બંને પક્ષે દ્વિપક્ષીય સંબંધોમાં તંગદિલી ઘટાડીને સંબંધો સુધારવા પર વિશેષ ભાર અપાયો હતો. બીજી તરફ બ્રિટનના સુરક્ષા મંત્રીએ તાઈવાનના ડિજિટલ મંત્રી સાથે કરેલી વાતચીતથી ચીન છંછેડાયું છે. બ્રિટન સ્થિત ચીની દૂતાવાસે ચીન-તાઈવાનના મંત્રીઓ વચ્ચે થયેલી વાતચીતનો વિરોધ નોંધાવ્યો હતો અને તેને આંતરરાષ્ટ્રીય સંબંધોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.