મેડીકલેમમાં 24 કલાક હોસ્પિટલાઈઝેશનની શરત ફગાવાઈ
હવે નવી ટેકનોલોજીથી થતા ઓપરેશન- સારવારથી દર્દી માટે હોસ્પીટલમાં રહેવાનો સમય ઘટી ગયો છે: ચુકાદો
ખાસ-ખબર સંવાદદાતા
તબીબી ક્ષેત્રમાં થઈ રહેલા સંશોધન તથા ટેકનોલોજીના કારણે હવે દર્દી અને હોસ્પીટલમાં સારવાર માટે ઓછામાં ઓછો સમય રહેવું પડે છે અને ફકત 24 કલાકથી ઓછો સમય હોસ્પીટલમાં રહીને દર્દી રાહત મેળવી શકે છે પણ આ પ્રમાણે 24 કલાકના હોસ્પીટલાઈઝેશનને આઉટ ડોર પેશન્ટને અપાતી સારવાર જેવી ગણાવીને તેનો મેડીકલેમ નામંજુર કરી શકાશે નહી.
વડોદરામાં ગ્રાહક અદાલતે ન્યુ ઈન્ડીયા ઈુસ્યુરન્સ કંપનીની એ દલીલ નકારી હતી કે દર્દી થોડા કલાકો જ હોસ્પીટલમાં રહ્યા છે અને તેઓને જે સારવાર આપવામાં આવી છે તે આઉટ ડોર પેશન્ટને અપાતી સારવાર જેવી છે તેથી તેને હોસ્પીટલાઈઝેશનના હેડ નીચે જે સારવારનો ખર્ચ છે તે ચૂકવવા વિમા કંપની બંધાયેલી નથી તેવું જણાવી રૂા.43000નો કલેમ ફગાવ્યો હતો તે વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતે આદેશ આપ્યો હતો.
- Advertisement -
વડોદરાના બે વ્યક્તિઓ અરવિંદ સુથાર તથા હંસા સુથારને દ્રષ્ટીમાં ખામી જણાતા તેનું નિદાન રેટીનામાં સુક્ષ્મ રકતવાહિનીમાં બ્લોકેજ જેવી અસર હતી. 2016માં તેઓએ એક હોસ્પીટલમાં 24 કલાકથી થોડો ઓછો સમય દાખલ થઈને તેની સારવાર કરાવી હતી અને તેનું બિલ રૂા.43000 મેડીકલેમમાં વળતર તરીકે મેળવવા વિમા કંપનીને આપ્યુ હતું. જો કે વિમા કંપનીએ હોસ્પીટલાઝેશન એટલે કે દર્દી ઈન્ડોર પેશન્ટ તરીકે હોસ્પીટલમાં દાખલ થાય અને સારવાર મેળવે તે માટે ઓછામાં ઓછા 24 કલાક હોસ્પીટલમાં દાખલ થવું જરૂરી છે તેવું જણાવીને તેનો કલેમ ચુકવવા ઈન્કાર કરતા વિવાદ ગ્રાહક અદાલતમાં કર્યો હતો.