નકલી દવાઓ લેવાનું ટાળો…
લોકલ મેડિકલ સ્ટોર્સ પાસેથી જ ખરીદી કરો
- Advertisement -
નકલી દવાઓનું વેચાણ અટકાવવા રાજકોટ કેમિસ્ટ એસો.નો નિર્ણય
કંપનીના ઓથોરાઇઝડ ચેનલ ડિસ્ટ્રિબ્યૂટર પાસેથી જ દવા ખરીદવા કમિટીની રચના
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
દેશમાં ડુપ્લિકેટ દવાઓનો કારોબાર દિન-પ્રતિદિન વધી રહ્યો છે અને ગત જુલાઇમાં રાજકોટમાંથી પણ મોટા પાયે ડુપ્લિકેટ દવાનો જથ્થો પકડાયો હતો આથી રાજકોટ કેમિસ્ટ એસોસિએશન દ્વારા ડુપ્લિકેટ દવાઓનો વેપાર અટકાવવા વેપારીઓએ હવે રાજકોટ બહારથી માલની ખરીદી કરવી નહીં અને રાજકોટમાં દવા કંપનીના ઓથોરાઇઝડ ચેનલ ડિસ્ટ્રિબ્યૂટર પાસેથી જ માલ ખરીદવો ફરજિયાત કરવાનો નિર્ણય અમલી કરાયો છે. ઠઇંઘએ જાહેર કરેલા આંકડા મુજબ ભારતમાં ઓછામાં ઓછી 20થી 25 ટકા ડુપ્લિકેટ દવાઓ વેચાઇ છે. રાજકોટની દવા બજારમાં પણ ડુપ્લિકેટ દવાઓનો વધતો કારોબારને ધ્યાનમાં રાખી રાજકોટની બહારથી માલની ખરીદી નહીં કરવા અને રાજકોટમાં કંપનીએ નિમેલા સ્ટોકિસ્ટ પાસેથી જ રિટેલર અને સેમી હોલસેલરે માલની ખરીદ કરવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટ અમુક સ્ટોરમાં 20-20 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. હકીકતમાં લાઇફ સેવિંગ ડ્રગ્સમાં 16 ટકા જ માર્જિન છે તો 20 ટકા ડિસ્કાઉન્ટ આપવું કેવી રીતે પોષાય તે પણ તપાસનો વિષય છે, પરંતુ આ ડિસ્કાઉન્ટ આપવા માટે વેપારીઓ બહારથી દવા લાવે છે અને તેમાં ડુપ્લિકેટ દવાઓનો વેપલો વધ્યો છે. આથી હવે ખોટી દવા વેચાતી અટકાવવા આ નિર્ણય કરાયો છે.
ડુપ્લિકેટ દવા સાથે વેપારી પકડાશે તો લાઇસન્સ રદ કરવા કાર્યવાહી થશે
રાજકોટમાં થોડા સમય પહેલાં ડુપ્લિકેટ દવાનો જથ્થો પકડાયા બાદ કેમિસ્ટ એસોસિએશને જનજાગૃતિ કેળવવા કમિટીની રચના કરી છે અને હવે જો કોઇ મેમ્બર ગેરરીતિ કરી બહારથી દવા લાવતો હશે, ડુપ્લિકેટ દવાના જથ્થા સાથે પકડાશે તો તેનું લાઇસન્સ રદ કરવા કાર્યવાહી કરાશે.
ડુપ્લિકેટ દવાઓ કેટલા દર્દીઓએ ખાધી તેની વિગતો સરકારે જાહેર ન કરી
ગત જુલાઇમાં સાયમોટલ ફોર્ટ નામની ડુપ્લિકેટ દવાનો જથ્થો રાજકોટમાંથી પકડાયો હતો, પરંતુ આ દવા ક્યાંથી આવી, કેટલા દર્દીઓએ આ દવાનો જથ્થો ખાધો, દર્દીઓને થયેલા નુકસાન માટે જવાબદાર કોણ? સહિતની વિગતો પાંચ મહિના બાદ પણ સરકારે જાહેર કરી નથી. તેમજ કોઇ જવાબદાર સામે હજુસુધી પગલાં લેવાયા નથી. રિપોર્ટ જાહેર કરાયો નથી. જે દર્દીઓએ દવા ખાધી તેમને કોઇ આડઅસર થઇ છે કે નહીં તેના રિપોર્ટ કરાવી સરકારે તેની સારવાર કરાવી જોઇએ તેના બદલે સરકાર દવા પકડાયા બાદ તેની આગળની કોઇ તપાસની વિગત જાહેર કરતી નથી અથવા તો તપાસ આગળ ધપતી નથી.
છ હજાર કેમિસ્ટ સામે માત્ર ત્રણ ડ્રગ્સ ઇન્સ્પેકટર
સૌરાષ્ટ્ર-કચ્છમાં લાયસન્સ ધરાવતા અંદાજે 6 હજાર કેમિસ્ટો છે, જેમાંથી કોઈ નકલી દવાનું વેંચાણ કરે છે કે નહીં તે તપાસવા માટે માત્ર ત્રણેક ડ્રગ્સ ઇન્સ્પેક્ટરો છે. રાજકોટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનરની જગ્યા પણ છેલ્લા ઘણાં સમયથી ઇન્ચાર્જથી ચાલે છે. જે જોતાં કેમિસ્ટોની માંગ છે કે નકલી દવાઓ અંગે સતત ચેકિંગ થતું રહેવું જોઇએ. આ માટે ડ્રગ્સ ઇન્સ્પેક્ટરો અને તેનાંથી ઉપરનાં અધિકારીઓની ખાલી જગ્યાઓ તો ભરવી જોઈએ સાથોસાથ વધુ જગ્યાઓ પણ ઉભી કરવી જોઈએ. એટલું જ નહીં ચેકિંગને લગતી બોડી પણ બનાવવી જોઈએ.
લેબોરેટરી પરિક્ષણ પછી જે નકલી હોવાનો ખ્યાલ આવે છે
ભારતભરમાં હવે નકલી દવાઓ છાશવારે પકડાતી હોવાના સમાચારો સામાન્ય બની ગયા છે. દવા નકલી છે કે નહીં તેનો સચોટ ખ્યાલ લેબોરેટરી ટેસ્ટ પછી જ આવે છે. તેમાં પણ ઘણાં મહિનાઓ નીકળી જાય છે. આ પછી પણ, દર્દીઓ માટે સંબંધિત દવાઓ નકલી હોઈ શકે છે એટલે તેની ખરીદીમાં સાવચેતી વર્તવી તેવી કોઇ જાણ જ તંત્ર દ્વારા કરાતી નથી. આ સ્થિતિમાં ઘણી વખત એક સ્થળેથી પકડાતી નકલી દવા બીજી જગ્યાએ વેંચાતી રહે છે.



