જળસંચયના મહાયજ્ઞમાં રાજકોટ કેમિસ્ટ એસોસિએશનનો સંપૂર્ણ સહયોગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર અને ગુજરાતને ફરીથી નંદનવન બનાવવાના સંકલ્પ સાથે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના જળસંચયના ભગીરથ કાર્યના ભાગરૂપે ગત તા. 9ના રોજ રાજકોટ કેમિસ્ટ એસોસિએશનનું એક વિશાળ સંમેલન શહેરના સેફરોન પાર્ટી પ્લોટ ખાતે મળ્યું હતું.
આ સંમેલનમાં રાજકોટના મેડિકલ સ્ટોર ધારકો અને તેમના પરિવારજનો મળીને લગભગ 1500 લોકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. સંમેલનમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ જળસંચયનું મહત્ત્વ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે ગીરગંગા પરિવાર ટ્રસ્ટનું મુખ્ય લક્ષ્ય સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં 1,11,111 જળ સ્ટ્રકચરો તૈયાર કરવાનું છે, જેના દ્વારા વરસાદના વહી જતાં પાણીને રોકી ભૂગર્ભ જળ રિચાર્જ કરી શકાય. જળસંચય એ માત્ર એક સામાજિક કાર્ય નથી પરંતુ આવનારી પેઢી માટે જીવન બચાવવાનું પવિત્ર કાર્ય છે. ભૂગર્ભ જળના સ્તર નીચા જઈ રહ્યા છે ત્યારે દરેક વ્યક્તિએ આ સંકટને સમજીને જળસંચયના કાર્યમાં પોતાનો સહયોગ આપવો અનિવાર્ય છે.
આ પ્રસંગે કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ મયુરસિંહ જાડેજાએ જળસંચય માટે સંકલ્પ લીધો અને લેવડાવ્યો હતો. જળસંચયની આવશ્યકતા અંગે તેમણે નિર્દેશ કર્યો હતો કે પાણી એ જીવનનો આધાર છે અને જળસંકટને ટાળવા માટે યુદ્ધના ધોરણે જળસંચય માટેની યોગ્ય વ્યવસ્થા કરવી પડશે. ભૂગર્ભ જળ એ આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે અને તેનું સંરક્ષણ કરવું એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. આ ભગીરથ કાર્યમાં મદદરૂપ થવા માટે તેમણે રાજકોટના દરેક મેડિકલ સ્ટોર પર ગીરગંગા પરિવારના કાર્યને સહાયરૂપ થવા માટે એક દાન પેટી મૂકવાની પણ જાહેરાત કરી હતી.
- Advertisement -
આ પ્રસંગે બોલતાં ગીતાંજલિ કોલેજના સંચાલક અને ગીરગંગા પરિવારના અગ્રેસર શૈલેષભાઈ જાનીએ નિર્દેશ કર્યો હતો કે ગીરગંગા પરિવાર લોકભાગીદારીના માધ્યમથી જળસંચયનું કાર્ય કરી રહ્યો છે. આગામી સમયમાં રાજકોટમાં યુગ વક્તા ડો. કુમાર વિશ્ર્વાસની જલકથાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેના થકી જળસંચયના સંદેશને વધુ વ્યાપક બનાવી લોકોને આ કાર્ય સાથે જોડવામાં આવશે. આ કાર્યક્રમ થકી એકત્રિત થનાર રકમનો ઉપયોગ પણ જળસંચયના કાર્યોમાં કરવામાં આવશે.
કાર્યક્રમ અંતર્ગત ગીરગંગા પરિવારના આશિષભાઈ વેકરીયા અને પ્રકાશભાઈ ભાલાળાએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે ગીરગંગા પરિવાર ટ્રસ્ટનું કાર્ય પ્રકૃતિના ચક્રને સમજીને અને વિજ્ઞાનના આધારે થઈ રહ્યું છે, જે લાંબા ગાળાની જળ સુરક્ષા માટે જરૂરી છે. સમાજની નાની-નાની મદદથી જ આટલું મોટું કાર્ય કરવું શક્ય બન્યું છે.
સંમેલનમાં રાજકોટ ફાર્માસિસ્ટ એસોસિએશનના પ્રમુખ અને ફાર્મસી કાઉન્સિલના મેમ્બર સત્યેનભાઈ પટેલે કહ્યું હતું કે જળસંચયના પ્રયાસો માત્ર એક સંસ્થા પૂરતા સીમિત ન રહેતા તે જનઆંદોલન બનવું જોઈએ. પાણીના એક-એક બુંદનું મહત્ત્વ સમજીને તેને બચાવવા માટે સામુહિક પ્રયાસોની જરૂર છે. ગુજરાતને પાણીદાર બનાવવાનો સંકલ્પ લેવા બદલ તેમણે ગીરગંગા પરિવારની સરાહના કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત રાજકોટ કેમિસ્ટ એસોસિએશનના મંત્રી અનિમેશભાઈ દેસાઈએ પણ જળસંચયના આ કાર્યને ઐશ્ર્વર્યિક કાર્ય ગણાવી સંપૂર્ણ સહયોગ માટે ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં રાજકોટ કેમિસ્ટ એસોસિએશનના ઉપપ્રમુખ બાબુલાલભાઈ ભુવા, ઓર્ગેનાઈઝર મંત્રી કેશુભાઈ ભુત, જયેશભાઈ કાલરીયા, સહમંત્રી અમિતભાઈ મજેઠીયા, દિપકભાઈ પટેલ, આઈટી સેલના મંત્રી અંકિતભાઈ કોટેચા, ધ્રોલ તાલુકા ભાજપના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા (રાજભા) તેમજ રાજકોટ ફાર્માસિસ્ટ એસોસિએશનના મંત્રી પ્રતિકપુરી ગોસ્વામી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા, વીરાભાઈ હુંબલ, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, વસંતભાઈ લીંબાસીયા, જેન્તીભાઈ સરધારા, શૈલેષભાઈ જાની, કૌશિકભાઈ સરધારા વગેરે લોકો જહેમત ઉઠાવી રહ્યા છે.



