ક્રિકેટ ટૂર્નામેન્ટમાં અનેક મહાનુભાવોનો સહયોગ
- આજકાલ, દિવ્ય ભાસ્કર, સંદેશ, હેડલાઈન, ઈલેક્ટ્રોનિક મીડિયા, સાંજ સમાચાર, ફૂલછાબ, અબતક, ગુજરાત મિરર જેવી ટીમો હોંશેહોંશે ભાગ લેશે
- રાજકોટ મીડિયા ક્લબ તથા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજિત આ ટુર્નામેન્ટના મેઈન સ્પોન્સર ‘હેડલાઈન’ દૈનિક, જયારે કો-સ્પોન્સર ‘કાઠિયાવાડ પોસ્ટ’ દૈનિક
છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોનામાં મીડિયાકર્મીઓ ઊંધું ઘાલીને દોડ્યા છે. પરંતુ, હવે એમને ઘરેડમાંથી બહાર કાઢી ને તાજામાજા કરવાનો સમય આવી ગયો છે. આવતીકાલ – તારીખ 6 માર્ચથી રાજકોટનાં રેસકોર્સ ખાતે આવેલા માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ મીડિયા ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં 12 ટીમો ભાગ લેશે, જેમાં આજકાલ, દિવ્ય ભાસ્કર, સંદેશ, હેડલાઈન, કાઠિયાવાડ પોસ્ટ, ઈલેક્ટ્રોનિક મીડિયા, સાંજ સમાચાર, ફૂલછાબ, અબતક, ગુજરાત મિરર, જેવી ટીમો હોંશેહોંશે ભાગ લેશે. સેમી ફાઇનલ તથા ફાઇનલ મેચો રાત્રી પ્રકાશમાં રમાશે. આ ટુર્નામેન્ટનો શહેરભરના અનેક મહાનુભાવોએ તેનો આનંદ ઉઠાવે છે. રાજકોટની અનેક સેલિબ્રિટીઝ તેમાં ઉપસ્થિત રહી ને આયોજકોનો તથા ખેલાડીઓનો ઉત્સાહ વધારે છે. રાજકોટ મીડિયા ક્લબ તથા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજિત આ ટુર્નામેન્ટના મેઈન સ્પોન્સર હેડલાઈન દૈનિક છે જયારે કો-સ્પોન્સર કાઠિયાવાડ પોસ્ટ દૈનિક છે. ઉપરાંત શહેરના અનેક દાતાઓ, મહાનુભાવો તરફથી સહયોગ મળી રહ્યો છે.
આ મીડિયા ક્રિકેટ ટુર્નામેન્ટ માત્ર ગમ્મત ખાતર નથી હોતી. બધી જ ટીમના પ્લેયર્સ દોઢ-બે મહિના સખ્ત પ્રેક્ટિસ કરે છે. બધા જ ગંભીરતાથી રમે છે. આ ટુર્નામેન્ટ પૂર્ણત: આંતરરાષ્ટ્રીય નિયમોથી રમાય છે. રાજકોટના ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાતી આ ટુર્નામેન્ટમાં સીઝન બોલનો જ ઉપયોગ થાય છે, સ્ટેટ પેનલના અમ્પાયર્સ, સ્ટેટ પેનલના સ્કોરર્સની સેવાઓ લેવામાં આવે છે. બે ઇનિંગ વચ્ચેના બ્રેકમાં ચા-નાસ્તો અપાય છે. સારા ઈનામો આપવામાં આવે છે. ફાઈનલ મેચ પછી એક જમણવારનું આયોજન હોય છે જેમાં ઉપસ્થિત મહેમાનો ઉપરાંત દરેક ટીમના લોકો અને મીડિયાના અન્ય અનેક મોભીઓ હાજરી આપે છે. કુલ લગભગ 48 મેચ રમાતી હોય છે.
- Advertisement -
આ ટુર્નામેન્ટ ભૂતકાળમાં અનેક વખત યોજાઈ છે પરંતુ કોઈને કોઈ કારણોસર નિયમિત થતી નહોતી. છેવટે આયોજકોએ વિવિધ મીડિયા ગ્રુપમાંથી 11 લોકોની એક કમિટી બનાવી છેલ્લા છ વર્ષથી આ ટુર્નામેન્ટ નિયમિત યોજવા નિર્ધાર કર્યો છે. આ કમિટીમાં પરેશ ડોડીયા, કિન્નર આચાર્ય, તુષાર રાચ્છ, શરદ માખેચા, હુસૈન ભારમલ, અનિરુદ્ધસિંહજી નકુમ, વીકીભાઈ રાવલ, હરેશ ધામી, તેજસ પારેખ, કુલદીપ રાઠોડનો સમાવેશ થાય છે. આ કમિટી ટુર્નામેન્ટને સફળ બનાવવા સતત પ્રયત્નશીલ અને સક્રિય છે. બીજી તરફ અમ્પાયર પેનલનાં પ્રદિપસિંહ જાડેજા, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મનોજ દવે તથા હાઉઝેટ સ્પોર્ટ્સનાં સંદીપ ગાંધી તરફથી સતત સહયોગ મળી રહ્યો છે. સતત સ્ટ્રેસ નીચે કામ કરતા મીડિયાકર્મીઓ માટે આ આયોજન કોઈ તહેવારથી કમ નથી. સૌ ઉત્સાહભેર ભાગ લે છે અને ખેલભાવનાથી રમે છે. આ આયોજન પણ સ્પોર્ટ્સ અને મીડિયાને જોડતી એક ઉત્તમ પ્રવૃત્તિ છે.


