ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિન્ડિકેટની બેઠકમાં પત્રકારો કવરેજ કરી શકે અને સિન્ડિકેટમાં કઈ બાબતની ચર્ચા-વિચારણા થાય છે તે જાણવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે, પણ આ વ્યવસ્થામાં ન તો અવાજ સ્પષ્ટ રીતે સાંભળી શકાય છે કે ન તો દૃશ્યો નિહાળી શકાય છે. આજે યોજાયેલી સિન્ડિકેટની બેઠકમાં બાકી રહેલા ગણ્યા-ગાંઠ્યા સિન્ડિકેટ સભ્યો ડો. ધરમ કાંબલીયા, ડો. કલાધર આર્ય, ડો. મહેશ ચૌહાણ, ડો. દક્ષાબેન ચૌહાણ, ડો. રાજેશ કાલરીયા ઉપસ્થિત રહ્યા હતા જેમાં એક સભ્ય તો ઓનલાઈન હાજર હતા. વાઈસ ચાન્સેલર ડો. ગીરીશ ભીમાણી અને રજિસ્ટ્રાર હોદ્દાની રૂએ હાજર રહ્યા હતા પણ આ બેઠકમાં વાસ્તવમાં કોઈ નક્કર કામગીરી થઈ કે કુલડીમાં ગોળ ભંગાયો તે વાત મીડિયા હાજર હોવા છતાંય ન જાણી શકે તેવી પૂરતી તૈયારી હતી. અંદાજે એકાદ કલાક બેઠક ચાલી હતી.
આજની સિન્ડિકેટની બેઠકમાં પરીક્ષામાં ગેરરીતિના કિસ્સામાં યુનિવર્સિટીને બદલે કોલેજની જવાબદારી ફિક્સ કરવા, સર્વોદય કોલેજનો સ્થળ ફેરફાર, વિવાદિત અધિકારીઓને મહત્ત્વની કામગીરીમાંથી બાકાત રાખવા, ડો. દક્ષાબેન ચૌહાણને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ગોધરામાં તા. 31-12-2024 સુધી ડેપ્યુટેશન પર મૂકવાની બાબત ઉપરાંત બી.યુ.ટી., એસ્ટેટ, ફાઈનાન્સ અને એકેડેમિક કાઉન્સિલના એજન્ડા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.



