સવારથી તડકો નીકળતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો : માવઠાનો મહોલ વિખેરાયો
રાત્રિનાં જૂનાગઢમાં વરસાદ પડ્યો: ગીરમાં વીજળીનાં ચમકારા થયાં
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગીરની પ્રખ્યાત કેસર કેરીનો સ્વાદ ચાલુ વર્ષે મોંઘો બન્યો છે. કેરીનાં પાકમાં અનેક વિઘ્ન આવ્યાં છે. ગત વર્ષે તાઉતે વાવાઝોડાનાં કારણે કેરીનાં આંબાને નુકશાન થયું હતું. ચાલુ વર્ષે પાક નબળો રહ્યો છે. હવે સામાન્ય પાકમાં પણ માવઠું આવતા ખેડૂતોનાં જીવ પડીકે બંધાઇ ગયા હતાં. પરંતુ આજે સવારથી વાતાવરણ ચોખુ થતા ખેડૂતોએ રાહતનો શ્ર્વાસ લીધો છે. જોકે ગત રાત્રીનાં જૂનાગઢનાં ભવનાથમાં વરસાદ થયો હતો તેમજ ગીર પંથકમાં વીજળીનાં ચમકારા થયા હતાં. હાલ ગીર પંથકમાંથી 2500 થી 3000 જેટલા કેરીનાં બોકસ ઉતરી રહ્યાં છે. અને 25મીએથી તાલાલા યાર્ડમાં હરાજી શરૂ થશે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ગઇકાલે વરસાદી માહોલ બન્યો હતો.
ગઇકાલે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં અનેક જગ્યાએ વરસાદી છાંટા પડયાં હતાં. તેમજ સાંજનાં સમયે તો વરસાદ કોઇ પણ સમયે તુટી પડે તેવો માહોલ બન્યો હતો. જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ હતી. આ ઉપરાંત કેરીનાં પાક ઉપર પણ ખતરો મડરાયો હતો. ગત રાત્રીનાં જૂનાગઢનાં ભવનાથમાં કમોસમી વરસાદ થયો હતો.રસ્તા ભીના થઇ ગયા હતાં. તેમજ ગીર પંથકમાં વીજળીનાં ચમકારા થયા હતાં. જાણે પ્રિમોન્સુન એકટીવ થયું હોય તેવો માહોલ બન્યો હતો. પરંતુ આજે સવારથી વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે.
- Advertisement -
સવારથી વાદળા વિખરેયા છે. સામાન્ય વાદળા આકાશમાં જોવા મળી રહ્યાં છે. સવારથી તડકો નિકળ્યો છે. જેના કારણે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ પુરતું તો કેરીનાં પાક ઉપરથી માવઠાનું વિઘ્ન દુર થયું છે. કેસર કેરીની સિઝન હજુ જામી નથી. ગીર પંથકમાંથી હાલ એક અંદાજ પ્રમાણે 2500 થી 3000 બોકસ કેરીનાં ઉતરી રહ્યાં છે. અહીંથી હજુ મોટી ગાડી ભરાતી નથી. નાના વાહન કેરીનાં ભરાઇ રહ્યાં છે. બીજી તરફ તાલાલા યાર્ડે પણ કેરીની હરાજી કરવાનો નિર્ણય કર્યો છે. તાલાલા યાર્ડમાં તારીખ 25 એપ્રિલથી કેરીની હરાજી શરૂ થશે. ઓછા ઉત્પાદન વચ્ચે કેરીની હરાજી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
એક બોકસમાં કેરીનાં 50 વધુ નંગ
સામાન્ય રીતે કેરીનાં એક બોકસમાં 30 થી 32 નંગ હોય છે.આ સારામાં સારી કેરી કહેવાય. પરંતુ હાલ એક બોકસમાં 50 થી વધુ નંગ ભરવામાં આવી રહ્યાં છે. ફળ નાના છે. જેના કારણે પાકવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ચાલુ વર્ષે કેરીની સિઝન નબળી હોવાનાં કારણે ફળ પણ સામાન્ય છે. હજુ સારી કેરી આવતા 10 થી 15 દિવસ લાગી જશે.
પાક બચાવવા ખેડૂતો દ્વારા દવાનો છંટકાવ
માવઠાનાં કારણે તલ, મગ સહિતનાં પાકને નુકશાન થવાની ભીતી સેવાઇ રહી છે. વરસાદી છાંટાથી પાકને બચાવવા ખેડૂતો પ્રયાસ કરી રહ્યાં છે. આજે સવારથી ખેડૂતો પાકને બચાવવા દવાનો છંટકાવ કરી રહ્યાં છે.
કેરીનો પાક નિષ્ફળ, તાત્કાલિક સહાય આપો
ગીર સોમનાથ જિલ્લાના આંબળાશ ગીર ગામે ગીર પંથક કોંગ્રેસ પરીવારનું ધારાસભ્ય ભગવાનભાઈ બારડના અધ્યક્ષ સ્થાને સંમેલન યોજાયુ હતુ. જેમાં કેરીનો પાક સતત નિષ્ફળ જઈ રહ્યો હોવાથી કેરી પકવતા ખેડુતોને તત્કાલ સહાય ચુકવવા માંગ ઉઠી હતી.


