પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બરાડની કેલિફોર્નિયામાં ધરપકડ
પંજાબી સંગીત ઈન્ડસ્ટ્રીને લગતા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સિંગર સિદ્ધુ મૂસેવાલાની સરાજાહેર હત્યાનું સમગ્ર કાવતરું તૈયાર કરનાર વિદેશમાંથી પકડાયો છે. કેલિફોર્નિયામાં કુખ્યાત ગોલ્ડી બરાડની ધરપકડ કરવામાં આવી છે. સિંગરની હત્યા બાદથી જ તેના ફેન્સ તથા પરિવાર તરફથી સરકાર અને પોલીસ તંત્ર પર કાર્યવાહી મામલે સતત દબાણ બનાવવામાં આવી રહ્યું હતું. નોંધનીય છે કે આ જ ગોલ્ડીએ હત્યાની જવાબદારી સામેથી જ પોતાના માથે લીધી હતી.
- Advertisement -
પંજાબમાં જ્યારે સિદ્ધુ કોઈ કામથી ગાડી લઈને જઈ રહ્યો હતો ત્યારે 29 મેના રોજ સરાજાહેર ધાડાધડ ગોળીઓ વરસાવીને તેની હત્યા કરી દેવામાં આવી હતી અને સિદ્ધુએ ઘટનાસ્થળ પર જ જીવ ગુમાવ્યો હતો. સમગ્ર કાવતરું આ બરાડે લોરેન્સ બિશનોઈ સાથે મળીને રચ્યું હતું, પોલીસે આ કેસમાં 34 લોકોને આરોપી બનાવ્યા છે.
ગોલ્ડી ઉર્ફે સતિન્દરજીત સિંહ પહેલેથી જ લૉરેન્સ ગેંગની નજીકનો માનવામાં આવે છે. ગયા વર્ષે કોંગ્રેસના એક યુવાનેતાની હત્યા મામલે તેની સામે વોરંટ જાહેર થયું હતું, જે બાદ તે કેનેડા ભાગી ગયો હતો. 16 વધુ કેસમાં તેની શોધખોળ ચાલુ હતી.
થોડા દિવસ પહેલા જ ઈન્ટરપોલ દ્વારા તેની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ જ કેસમાં તિહાડ જેલમાં બંધ લૉરેન્સ બિશનોઈની પણ સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. લૉરેન્સ અને બરાડ બંને કૉલેજમાં એક સાથે મિત્ર હતા.