કોઈ જાનહાનિ નહીં: કોમ્પલેક્સમાં ફાયર ગઘઈ ન હોવાનું જાણવા મળ્યું
ફાયરની 4થી વધુ ગાડીઓ તુરંત દોડી આવી, મોટી દુર્ઘટના ટળી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
વેરાવળ-જુનાગઢ બાયપાસ પર આવેલા મુરલીધર કોમ્પ્લેક્સમાં આજે ભીષણ આગ લાગી હતી. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. કોમ્પ્લેક્સમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ વેરાવળ ફાયર બ્રિગેડ તેમજ આસપાસની ઇન્ડસ્ટ્રીઝ માંથી પર ફાયર બ્રિગેડ ની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના સ્ટાફે તુરંત કાર્યવાહી કરીને આગને વધુ ફેલાતી અટકાવી હતી. સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
પ્રાથમિક વિગતો અનુસાર, આગની ઝપેટમાં કોમ્પ્લેક્સ પાસે પાર્ક કરેલ 5 થી 6 મોટરસાયકલ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગતા જ કોમ્પ્લેક્સમાં હાજર વેપારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે કોમ્પ્લેક્સમાંથી બહાર દોડી આવ્યા હતા. થોડા સમય માટે બાયપાસ પર વાહન વ્યવહારને પણ અસર થઈ હતી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.



