શ્રમિકો બે દિવસ પહેલાં જ મધ્યપ્રદેશથી આવ્યા અને આજે મોત મળ્યું: પ્રચંડ વિસ્ફોટથી ગોડાઉન ધરાશાયી
ખાસ-ખબર ન્યૂઝ બનાસકાંઠા
ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડાંની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતાં 18 મજૂરનાં મોત થયાં છે. મૃતકોમાં ચારથી પાંચ કિશોરનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. હાલ જઉછઋની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી છે. ઋજકની ટીમ દ્વારા પણ વિસ્ફોટ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે ફેક્ટરી માલિક ફરાર થઇ ગયો છે અને મજૂરોની ઓળખ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. ફેક્ટરીમાં બ્લાસ્ટ અને આગની ઘટનામાં તમામ મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મજૂરો બે દિવસ પહેલા જ અહીં મજૂરી કામ માટે આવ્યા હતા અને ફટાકડાં બનાવવાનું કામ કરતા હતા. આ દરમિયાન બ્લાસ્ટ થતાં તેઓના મોત નિપજ્યા છે. હાલ મૃતકોની ઓળખ માટે કાર્યવાહી શરુ કરવામાં આવી છે.
- Advertisement -
પ્રાથમિક માહિતી મુજબ, ફટાકડાં બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, બાજુમાં આવેલું ગોડાઉન ધરાશાયી થતાં 200 મીટર દૂર સુધી કાટમાળ ફેલાયો હતો. જ્યારે મજૂરોનાં માનવઅંગો પણ દૂર-દૂર સુધી ફેંકાયાં હતા.
મળતી માહિતી મુજબ, દીપક ટેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડાં બનાવવામાં આવી રહ્યા હતા. આ કંપની ખૂબચંદ સિંધી નામના વ્યક્તિની છે. આ ફટાકડાંની એજન્સીમાં તેઓ વિસ્ફોટક પદાર્થ લાવીને ફટાકડાં બનાવતા હતા. જો કે, માલિકે માત્ર ફટાકડાં વેચાણ માટેની જ પરમિશન લીધેલી છે, ફટાકડાં બનાવવા માટેની નહિ. જેથી સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. ખૂબચંદ સિંધી ફટાકડાંનો હોલસેલનો વેપારી છે. તે તમિલાનાડુમાં શિવાકાશીની ફેક્ટરીઓમાં પોતાના માટે કાર્ગોકિંગ, દિપક, આંધીતૂફાન, ડિજીટલ સ્કાય, ડાયમંડ સહિત વિવિધ બ્રાન્ડથી જુદાજુદા ફટાકડાં બનાવડાવતા હતા. પરંતુ હવે તેણે ડીસામાં જ ફટાકડાં બનાવવાની શરુઆત કરી હતી.
મજૂરો ફટાકડાં બનાવી રહ્યા હતા ત્યારે, અચાનક વિસ્ફોટ થતાં મજૂરોનાં માનવઅંગો પણ દૂર દૂર સુધી ફેંકાયાં હતાં. બાજુના ખેતરમાંથી પણ માંસના લોચા મળી આવ્યા હતા. ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગના કર્મચારીઓ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લઇ લીધી છે. જો કે, આગની ભયાનકતાના કારણે હજુ પણ મોતનો આંકડો વધવાની શક્યતા છે.