આર્થિક સંકડામણ, વ્યાજના ચક્કરમાં દેવા સહિતનાં કારણો, પરિવારો નાછુટકે સામૂહિક આપઘાત કરીને જીવન ટૂંકાવવા મજબૂર બની રહ્યા છે
અસંગઠિત ક્ષેત્રના કામદારોની આત્મહત્યાનું પ્રમાણ વધ્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં 13થી વધુ પરિવારોએ સામૂહિક આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે. આર્થિક સંકડામણ, વધતી જતી અસામાનતા, સામાજિક અસુરક્ષા, ડર, વ્યાજના ચક્કરમાં દેવાદારી જેવા કારણસર પરિવારો નાછુટકે સામૂહિક આપઘાત કરીને જીવન ટૂંકાવવા મજબૂર બની રહ્યા છે. દેશમાં વર્ષ 2022માં 1.70 લાખ નાગરિકોએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે, જે પૈકી ત્રીજા ભાગના એટલે કે 55 હજાર જેટલા આપઘાત કરનારામાં રોજમદાર, ખેત મજૂરો અને ખેડૂતોનો સમાવેશ થાય છે. રોજ કમાઈનો રોજ ખાનારા, રોજમદારો, ફેરિયા, લારી પાથરણા વાળાના આત્મહત્યાના કિસ્સામાં 50.44 ટકાનો વધારો થયો છે. દેશમાં છ વર્ષમાં 16,862 રોજમદારોએ આર્થિક સંકડામણ, સામાજિક અસુરક્ષા, ઘટતી જતી આવક અને વધતા ખર્ચ જેવા કારણોથી તંગ આવીને આત્મહત્યા કરી છે. અસંગઠિત ક્ષેત્રના શ્રામિકોની સ્થિતિ ઘણી નાજુક છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 3740 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરીને જિંદગીનો અંત આણ્યો છે. દેશમાં છેલ્લા છ વર્ષમાં 68,013થી વધુ વિદ્યાર્થીઓએ અભ્યાસનો ડર, આર્થિક અસમાનતા, જાતિ ભેદ, પરીક્ષામાં નિષ્ફળતા સહિતના કારણોથી જીવન ટૂંકાવ્યું છે, એટલે કે દરરોજ 35થી વધુ વિદ્યાર્થીઓ જીવન ટૂંકાવે છે, દર એક બે કલાકમાં બે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે. ગુજરાતમાં વિવિધ કારણસર આત્મહત્યાના વધી રહેલા કિસ્સા ચિંતાજનક છે.