અમેરિકાના લેવિસ્ટનમાં એક શખ્સ દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારમાં 20થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ડઝનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે.
અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ બંધ થવાનું નામ નથી લઈ રહી. હવે અમેરિકાના લેવિસ્ટનથી ફાયરિંગની ઘટના સામે આવી છે. એક શખ્સ દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ફાયરિંગમાં 20થી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે ડઝનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઈજાગ્રસ્તોમાંથી કેટલાકની હાલત નાજુક છે. પોલીસના જણાવ્યા અનુસાર એક શખ્સે બુધવારે રાત્રે ફાયરિંગની આ ઘટનાને અંજામ આપ્યો હતો.
- Advertisement -
પોલીસે જાહેર કરી તસવીરો
એન્ડ્રોસ્કોગિન કાઉન્ટી શેરિફ ઓફિસ (પોલીસ)એ તેમના ફેસબુક પેજ પર શંકાસ્પદ વ્યક્તિની બે તસવીર જાહેર કરી, જેમાં એક બંદૂકધારી તેના ખભા પર હથિયાર લટકાવીને સંસ્થામાં પ્રવેશતો જોવા મળી રહ્યો છે અને હાલમાં તે ફરાર છે.
પોલીસે લોકો પાસે માંગી મદદ
પોલીસે હુમલાખોરની તસવીર જાહેર કરીને લોકોની પાસે મદદ માંગી છે. તસવીરમાં લાંબી બાંયનો શર્ટ અને જીન્સ પહેરેલો એક દાઢીવાળો શખ્સ રાઈફલથી ગોળીબાર કરતો જોવા મળી રહ્યો છે. લેવિસ્ટનમાં સેન્ટ્રલ મેઈન મેડિકલ સેન્ટરે એક નિવેદન જારી કરીને કહ્યું કે ફાયરિંગની ઘટનામાં જાનહાનિ થઈ છે. ઈજાગ્રસ્તોને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
લોકોને ઘરમાં રહેવાની અપીલ
એન્ડ્રોસ્કોગિન કાઉન્ટી શેરિફ ઓફિસે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, “અમે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ અને તમામ વેપારીઓને તેમની દુકાનો બંધ કરવાની અપીલ કરી રહ્યા છીએ.” સાથે જ તેમણે લોકોને તેમના ઘરના દરવાજા બંધ રાખીને ઘરમાં રહેવા વિનંતી કરી છે.