ગાંજાના 26 છોડ સાથે એક શખ્સ ઝડપાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
- Advertisement -
સાયલા તાલુકામાં ફરી એક વખત ગાંજાની ગેરકાયદેસર ખેતી ઝડપાતા ચકચાર મચી ગઈ છે. ગોસળ ગામની સીમ વિસ્તારમાંથી પોલીસે રૂ.26.57 લાખના ગાંજાના છોડ અને વાહન સહિત કુલ રૂ.32.57 લાખનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સને ઝડપી પાડ્યો છે. નશીલા પદાર્થોનું વેચાણ થાય તે પહેલા જ પોલીસે સમયસર દરોડો પાડી મોટી સફળતા હાંસલ કરી છે. આ મામલે સાયલા પોલીસ મથકે એક શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સાયલા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે ગોસળ ગામની સીમમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે. બાતમીના આધારે સાયલા પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. શ્રી ચુડાસમા અને તેમની ટીમે ખેતરમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન વાડી વિસ્તારમાંથી લીલા ગાંજાના કુલ 26 છોડ (કિંમત અંદાજે રૂ.26,57,500) મળી આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી દેવાભાઈ કરસનભાઈ પરમારે ગાંજાના છોડ ઉખાડી ટ્રેક્ટરની ટ્રોલીમાં છુપાવ્યા હતા. પોલીસે ટ્રેક્ટર (કિંમત અંદાજે રૂ.6 લાખ) સહિત ગાંજાનો જથ્થો કબજે કરી કુલ રૂ.32,57,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ સાયલા તાલુકાના ધજાળા વિસ્તારમાંથી રૂ.15.18 કરોડનું ગાંજાનું વાવેતર ઝડપાયું હતું, જે બાદ ફરી આવી ઘટના સામે આવતા પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું છે.
ગાંજાનું વાવેતર ચિંતાનો વિષય
સાયલા પંથકમાં વારંવાર ગાંજાના વાવેતરની ઘટનાઓ સામે આવતા તાલુકો ગાંજાનું હબ બની રહ્યો છે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. પરંપરાગત ખેતીમાં માવઠું, ઉત્પાદન ખર્ચ અને અપૂરતા ભાવ જેવી સમસ્યાઓના કારણે કેટલાક ખેડૂતો વધુ નફાની લાલચે માદક પદાર્થોની ખેતી તરફ વળી રહ્યા છે, જે સમાજ માટે ગંભીર અને જોખમી સંકેત છે. પોલીસે સમયસર કાર્યવાહી કરી નશીલા પદાર્થોનું વેચાણ થતું અટકાવ્યું છે. આ સાથે આ નેટવર્ક પાછળ અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.
- Advertisement -
સાયલા તાલુકામાં પંદર દિવસમાં રૂ.20.59 કરોડનો ગાંજો ઝડપાયો
ખીટલા ગામમાં તા. 25 નવેમ્બર-2025ના રોજ એસઓજીએ રૂ.2.79 કરોડના ગાંજાના 180 છોડ સાથે ખેડૂત રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ભૂપતભાઈ ખવડની ધરપકડ કરી હતી. કસવાળી ગામેથી તા. 1 જાન્યુઆરી-2026ના રોજ રૂ.17.54 કરોડના 670 ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા હતા. આ કેસમાં ધજાળા પોલીસે ખેડૂત ભાવુભાઈ રવજીભાઈ મીઠાપરા અને એસઓજીએ ખેડૂત સંજયભાઈ ભોપાભાઈ તાવ્યાની ધરપકડ કરી હતી.



