1971ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલની કારકિર્દીની શરૂઆત
જાહેરજીવનના 50 વર્ષો દરમિયાન અનેક ચડતી-પડતીના અનુભવો ગોવિંદભાઈ પટેલને થયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જાહેરજીવનની અર્ધી સદી વટાવતા પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે કારકિર્દીની શરૂઆત 1971ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે કરેલ. જનસંઘના મોભી અને ખેડૂતપુત્ર કેશુભાઈ પટેલ, રાજકોટ-1 અને વાંકાનેર વિધાનસભા એમ બે સીટ પરથી ચૂંટણી લડતાં હતા, એ સમયે કાલાવડ તાલુકાના ડાંગરવાડા ગામેથી અભ્યાસ અર્થે આવેલા ગોવિંદભાઈને જનસંઘના આગેવાન હર્ષદભાઈ વૈદ્યે રાષ્ટ્ર ભાવનાની સમજ આપીને પક્ષમાં કાર્યરત કર્યા હતા.
દેશમાં નવી રાજકીય ક્રાંતિની શરૂઆત થઈ. 1974ના નવનિર્માણ આંદોલન વખતે યુવા નેતાઓ અનામિક શાહ, પૃથ્વીસિંહ જાડેજા, અમિતાબેન ઓઝા, અભયકુમાર ભારદ્વાજ સાથે આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી કટોકટીના કાળમાં મીસાના કાયદા હેઠળ વ્યાપક પ્રમાણમાં ધરપકડો કરીને જેલવાસ કર્યો અને એવે વખતે એવા ઘણા કાર્યકરો જેલમાં હતા.
સૌરાષ્ટ્ર માટે 1984થી 1989 સુધીનો સમયગાળો અતિકઠિન હતો. એક તરફ ત્રણ ત્રણ વર્ષના દુકાળ અને બીજીબાજુ ગ્રામ્ય વિસ્તારના સામાજિક જીવનને રંજાડતા ગુંડાઓ આવી પરિસ્થિતિમાં પોપટભાઈ સોરઠીયા, ચીમનભાઈ શુક્લ, સૂર્યકાન્તભાઈ આચાર્યએ સૌરાષ્ટ્ર ગુંડાગીરી નાબુદી સમિતિ બનાવી, જેમાં શિવલાલભાઈ વેકરીયા, સવજીભાઈ કોરાટ, ચંદ્રેશભાઈ પટેલ, દિલીપભાઈ સંઘાણીની ટીમ સાથે રહીને ગુંડાગીરી નાબુદી સમિતિ દ્વારા ગ્રામ્ય વિસ્તારને જાગૃત કરવા અને હિંમતભેર સામનો કરવાનું આહ્વાન કરતાની સાથે જાનના જોખમે લડતો ચલાવી હતી.
- Advertisement -
1980થી 1985ની મહાનગરપાલિકામાં ભાજપ એકની બહુમતીથી સત્તામાં હતો ત્યારે એક સભ્યના પક્ષપલ્ટાને કારણે ચીમનભાઈ શુક્લએ પક્ષપલટા વિરુદ્ધ આમરણાંત ઉપવાસ કરેલ, આ વખતે આંદોલનને વેગ આપવા સક્રિય ભૂમિકા દિવસ અને રાત જોયા વગર ભજવી હતી.
આમ સતત સંઘર્ષના રાજકીય વાતાવરણમાં વોર્ડ નં. 8ના એક અદના કાર્યકરથી શરૂ કરીને શહેર પ્રમુખ જિલ્લા (ત્રણ વખત) પ્રદેશ કારોબારી સભ્ય સમય પ્રમાણે શિક્ષણ સમિતિના ચેરમેન, કોર્પોરેટર, રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર વગેરે જવાબદારીઓ સંભાળી. આ સમય દરમિયાન સોરઠીયાવાડી ચોક, સિંદુરીયા ખાણ, સ્વિમિંગ પુલ, 80 ફૂટ રોડ ઓવરબ્રિજ, આજી ડેમ, પક્ષીઘર, લાલપરી કબીર ટેકરી લેન્ડ સ્કેપિંગ વગેરે બનાવવાનું કામ હાથ ધર્યું હતું.
ગુજરાતની જનતા મોરચા સરકાર બની ત્યારબાદ અટલજી વડાપ્રધાન બન્યા. 1995થી અત્યાર સુધી પક્ષનું શાસન અનુભવ્યું તેમાં પણ 2007થી વૈશ્ર્વિક મહામાનવ નરેન્દ્રભાઈ મોદી સાથે ગુજરાત વિધાનસભા તથા 2012ના પ્રધાનમંડળમાં કામ કરવાની તક મળી એ જીવનનું સંભારણું છે.
આ સમય દરમિયાન મહાનગરોમાં ટોચ મર્યાદાના કારણે ઉભી થયેલ સૂચિત સોસાયટી બની ગયેલ હતી પરંતુ આધાર ન હતો તે આધાર અપાવવાનો કાયદો વિધાનસભામાં સફળ રજૂઆતના અંતે બન્યો અને હજારો કુટુંબોના આશીર્વાદ સમાન ઐતિહાસિક કામનો યશ મળ્યો એ કાયમી સ્મૃતિમાં રહેશે તેમ અંતમાં ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું.