ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા પ્રધાનમંત્રીના જામનગર, દ્વારકા અને રાજકોટના કાર્યક્રમ માટે કુલ 1400 એસટી બસની ફાળવણી કરવામાં આવતા આજે અને આવતીકાલે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં એસટી બસોના અસંખ્ય રૂટ રદ થશે તેમ જાણવા મળે છે.
વિશેષમાં એસટી નિગમના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ ડિવિઝન દ્વારા દરરોજ કુલ 480 રૂટ શેડ્યુલનું સંચાલન થાય છે, દરમિયાન પીએમના કાર્યક્રમ માટે 200 બસની ફાળવણી કરતા આવતીકાલે 130 રૂટની બસો રદ થશે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના તમામ 16 ડિવિઝનમાંથી કુલ 1400 બસોની ફાળવણી કરાઇ હોય અન્ય ડિવિઝનમાં પણ આજે અને આવતીકાલે રવિવારે અનેક બસ રૂટ રદ થશે. એકંદરે આજે અને કાલે એસટી બસમાં મુસાફરી ન કરવી હિતાવહ છે.