એક મિત્રનો પ્રશ્ન છે. “મારી પાસે એક વીડિયો ક્લિપ આવી છે જેમાં એક વિદ્વાન સંત એવું કહે છે કે આપણે જે મંત્રનો જાપ રોજ કરતા હોઈએ તે મંત્ર આપણા ઘરના અમુક અસ્વચ્છ અથવા અપવિત્ર સ્થાનોમાં ન કરાય. શું આ સાચું છે?” હું દરેક વાતમાં શાસ્ત્રોને અનુસરતો નથી. મારું અંતર, મારું હૃદય, મારું મન અને મારો આત્મા મને જે સુઝાડે તેમ કરું છું. મારી સાદી સમજ એટલી છે કે મંત્ર-જાપ કોઈ પણ સ્થાનમાં કરી શકાય. અસ્વચ્છ અથવા અપવિત્ર સ્થાનમાં કેમ ન થઈ શકે?
ખરેખર તો તે જગ્યાએ મંત્ર-જાપની વધારે જરૂર છે. હા, પ્રારંભિક સમયમાં જો તમારે ચોક્કસ સ્થાન, ચોક્કસ આસન, ચોક્કસ દિશામાં બેસીને મંત્ર-જાપ કરવો હોય તો આ વાત યોગ્ય છે, પરંતુ એક વખત તમે અજપાજપની સ્થિતિએ પહોંચી ગયા તો પછી એ તમારા કાબુની વાત રહેતી નથી. તમે ફરવા નીકળ્યા હોવ અને તમે ઉકરડાની બાજુમાંથી પસાર થતા હોવ ત્યારે પણ તમારા મનમાં અવશપણે મંત્ર-જાપ ચાલતો જ રહે છે. અત્તરની સૌથી વધુ જરૂર દુર્ગંધ હોય ત્યાં રહે છે. દીપકના પ્રકાશની સૌથી વધુ આવશ્યકતા જ્યાં અંધારું હોય ત્યાં રહે છે. મંત્ર-જાપની સૌથી વધુ આવશ્યકતા અપવિત્ર સ્થળમાં રહે છે. મંત્ર-જાપ અચૂક કરવો, સર્વત્ર કરવો અને સતત કરતા રહેવું.