રાજકોટ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા 100 મહાનગરમાં સામેલ: શહેરને હરિયાળું બનાવવા માટે ‘ગ્રીન કવર’માં વધારો કરાશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મ્યુનિસિપલ કોપોરેશનનું સને 2024-25નું રૂા. 2843.52 કરોડનું લોકઉપયોગી અંદાજપત્ર સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં આજે મંજૂર કરવામાં આવ્યું છે.
તારીખ 22 જાન્યુઆરી 2024, એ સમગ્ર દેશ માટે સુવર્ણ દિવસ હતો. રામરાજ્યની યાદ અપાવે એવા આ પાવન અવસરે અયોધ્યા ખાતે ‘વિશ્ર્વગૂરૂ’ એવા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં ભગવાન શ્રી રામલલ્લાની મૂર્તિની પુન: પ્રાણપ્રતિષ્ઠા થઇ. આ દિવસે સમગ્ર દેશમાં ‘જય શ્રીરામ’નો નારો ગુંજી ઉઠ્યો હતો, સાથોસાથ સમગ્ર રાજકોટ શહેર પણ રામમય બન્યુ હતું. આ દિવસની સ્મૃતિરૂપે ભગવાન શ્રી રામના નામ સાથે રાજકોટ શહેરને જોડવાના નમ્ર પ્રયાસરૂપે ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા ગત જનરલ બોર્ડમાં ત્વરિત નિર્ણય કરી અને કાલાવડ રોડના નવનિર્મિત મલ્ટીલેવલ ફ્લાઇઓવર બ્રીજનું ‘શ્રી રામ બ્રીજ’ નામકરણ કરવામાં આવ્યુ, અને અયોધ્યામાં ચાલી રહેલ પ્રાણપ્રતિષ્ઠા સમારોહની સાથે સાથે રાજકોટ શહેરમાં આ બ્રીજનું ‘શ્રી રામ બ્રીજ’ નામકરણ અનાવરણ વિખ્યાત કથાકાર પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વરદ્હસ્તે કરવામાં આવ્યું. આ નામકરણ કાયમી સંભારણું બન્યુ છે.
મહાનગરની જનતા માટે દર વર્ષે લોકભોગ્ય બજેટ અમલમાં મુકવામાં આવે છે, જેમાં મુખ્યત્વે ‘ન.ગ.ર.’ એટલે કે નળ, ગટર, રસ્તાના કામો ઉપરાંત સફાઈ, સ્ટ્રીટલાઇટ, આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપરાંત સ્પોર્ટસ સુવિધા, ફરવાના સ્થળો, ગાર્ડન તથા વૃક્ષારોપણ, સિટી બસ, નવી પ્રાથમિક શાળાઓ, યોજનાકીય કેમ્પ થકી ‘મહાનગરપાલિકા તમારે દ્વાર’ જેવી સગવડતાઓ, પર્વો-તહેવારો પર સાંસ્કૃતિક કાર્યક્રમોથી લોકોને મનોરંજન આપવા પણ પુરા પ્રયાસો કરવામાં આવે છે. છેલ્લા દોઢ વર્ષમાં હોસ્પિટલ ચોક, નાનામવા, રામાપીર ચોક, જડ્ડુસ ચોક અને છેલ્લે કે.કે.વી. હોલ ચોકમાં મલ્ટીલેવલ ‘શ્રી રામ બ્રિજ’નું લોકાર્પણ કરી રાજકોટની ટ્રાફિક સમસ્યા હળવી કરવા પ્રયત્નો કર્યા છે. નવા વર્ષમાં કટારીયા ચોકડીએ ‘આઈકોનિક બ્રિજ’, પી.ડી.એમ. ફાટક અન્ડરબ્રિજના આયોજન વચ્ચે સાંઢીયા પુલ પર નવા ફોરલેન બ્રીજનો પ્રોજેક્ટ ફાઇનલ થઇ ગયો છે.
રાજકોટ વિશ્ર્વના સૌથી ઝડપથી વિકસતા 100 મહાનગરોમાં સામેલ થયેલ છે. રાજકોટ શહેરને વધુ આંતરમાળખાકિય સુવિધાસભર, સ્માર્ટ, સ્વચ્છ તેમજ હરિયાળુ બનાવવા માટે ‘ગ્રીન કવર’માં વધારો કરવા માટે મિયાવાકી પધ્ધતિ થકી નવા અર્બન ફોરેસ્ટ વિકસાવી, તેમજ મહત્તમ સ્થળોએ ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરી આવનારા સમયમાં રાજકોટ શહેરમાં વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની નેમ છે. આજની જનરલ બોર્ડમાં રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરોને વિકાસકામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટની રકમ રૂા. 15,00,000/-થી વધારીને પ્રતિ વર્ષ રૂા. 20,00,000 (આ માટે સ્ટે. કમિટી દ્વારા આ બજેટમાં રૂા. 3.6 કરોડની વિશેષ જોગવાઇ), મેયરને વિકાસકામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટની રકમ રૂા. 6,00,000/-થી વધારીને પ્રતિ વર્ષ રૂા. 8,00,000/-, ડેપ્યુટી મેયર, સ્ટે.કમિટી ચેરમેન તથા વિરોધ પક્ષ નેતાને વિકાસકામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટની રકમ રૂા. 4,50,000/-થી વધારીને રૂા. 6,00,000, આગામી નાણાંકિય વર્ષથી નાયબ કમિશનરને પોતાના ઝોનમાં વિકાસ કામો માટે રૂા. 15,00,000/-ની ગ્રાન્ટની ફાળવણી, શહેરના વોર્ડ નં.8 માં 5/8-લક્ષ્મીનગર ખાતે આવેલ ઉદ્ઘોષ ક્રાંતિવીર સ્મૃતિ સંસ્થા પુસ્તકાલયનુ રૂા. 45 લાખના ખર્ચે નવિનીકરણ, ‘વ્હાઇટ ટોપીંગ સેલ’નું ગઠન કરી, ફીઝીબીલીટી મુજબ દરેક વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગો પર તબક્કાવાર ‘વ્હાઇટ ટોપીંગ’ કરવાનું આયોજન, સીનીયર સીટીઝન, દિવ્યાંગો, થેલેસેમીયાગ્રસ્ત, જુવેનાઇલ ડાયાબીટીસગ્રસ્તને લાઈબ્રેરી સભ્યપદ ફી માફી, સીનીયર સીટીઝન, દિવ્યાંગો, થેલેસેમીયાગ્રસ્ત, જુવેનાઇલ ડાયાબીટીસગ્રસ્તને સીટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં ફ્રી મુસાફરી, હાલની ‘કોલ સેન્ટર ફરિયાદ નિવારણ સીસ્ટમ’નો વ્યાપ વધારી અને વોટ્સએપ સિવાયના અન્ય સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ સાથે પણ ઇન્ટીગ્રેટ કરવામાં આવશે, ‘સુક્ધયા સમૃધ્ધિ યોજનામાં ફાળો અત્યાર સુધી પ્રતિ લાભાર્થી રૂા. 365/- ફાળવવામાં આવતા હતા, જેમાં કમિશનરએ સુચવેલ રૂા. 1000/-માં વધારો કરી પ્રતિ લાભાર્થી રૂા. 1500/- કરેલ છે. શ્રેષ્ઠ કામગીરી કરનાર ‘ફાયરમેન’નું ચાલુ વર્ષથી દર વર્ષે સન્માન, શહેરમાં પર્યાવરણ જાળવણી, વૃક્ષારોપણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર શહેરીજનને દર વર્ષે તા.5 જૂનના રોજ ‘વિશ્ર્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે ‘પર્યાવરણ મિત્ર’ એવોર્ડ, ‘વિશ્ર્વ પ્રાણી દિવસ’ નિમિત્તે દર વર્ષે તા.4 ઓક્ટોબરના રોજ પ્રદ્યુમન પાર્ક ઝૂ માં મુલાકાતીઓ માટે નિ:શુલ્ક પ્રવેશ આમ 13 જેટલી દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે.
મહાનગરપાલિકાના મહેસુલ ખર્ચને પહોંચી વળવા કમિશનરએ રૂા. 2817.81 કરોડના બજેટમાં રૂા. 17.77 કરોડનો કરવધારો સૂચવ્યો હતો, પરંતુ રાજકોટની પ્રજાને હાલના કરવેરાનું પૂરૂ વળતર મળે, સેવાઓનો સંતોષ વધે અને વધુ સુવિધાઓ મળે એ વાત ધ્યાને રાખી લોકોને પ્રત્યક્ષ અસરકર્તા હોય તેવી નવી કરવધારા દરખાસ્તો નામંજુર કરી, લોકભોગ્ય નવી 18 યોજનાઓ જાહેર કરવા સાથે સને 2024-25નું ₹2843.52 કરોડનું લોક ઉપયોગી અંદાજપત્ર સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં મંજૂર કર્યું છે.