રાજકોટમાં પ્રિ-મોન્સૂન કામગીરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
- Advertisement -
રાજકોટ શહેરનાં અનેક વિસ્તારોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતા હોય છે. જેના કારણે મનપા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ચોમાસા પહેલા જ શહેરનાં તમામ વોકળા અને નીચાણવાળા વિસ્તારની સફાઈ કરવામાં આવી રહી છે. જેથી ચોમાસા દરમિયાન પાણીનો નિકાલ થઈ જતા રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળી શકે. જોકે દરવર્ષે મનપા દ્વારા આ પ્રક્રિયા કરવાનો દાવો કરાય છે, પરંતુ આમ છતાં પણ શહેરનાં અનેક વિસ્તારોમાં મામુલી વરસાદમાં પાણી ભરાઈ જતા હોવાનો આરોપ વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં દર ચોમાસે રસ્તાઓ ઉપર કાયમ પાણી ભરાતા રહે છે. દર વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરી થાય છે. છતા રસ્તાઓ જળબંબાકાર થતા અટકતા નથી. વોકળા ઉપર થઈ ગયેલા બાંધકામો દૂર કરી શકાયા નથી અને તેના કારણે પાણીની સમસ્યા પણ ઉકેલાતી નથી. 2થી 3 ઇંચ પાણી પડે એટલે દરેક મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાવાની સમસ્યા દાયકાઓથી હજુ પણ યથાવત છે.
સ્ટોર્મ વોટર ડ્રેનેજ બનાવવા છતા આ સમસ્યાનો ખાસ ઉકેલ આવ્યો નથી. જોકે મનપા દ્વારા ચોમાસુ નજીક આવતા ફરી પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોના સ્થળાંતર માટેની તૈયારીઓ પણ અત્યારથી કરવામાં આવી રહી છે. રાજકોટમાં બે થી ત્રણ ઇંચ વરસાદ પડે તો પણ અનેક રસ્તાઓ ઉપર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતી હોય છે. ત્યારે પાણી ભરાવાના કાયમી પ્રશ્ર્નો રહે છે. તેની સામે તંત્રને સાવધાન રહેવા જણાવાયું છે. રાજકોટ શહેરમાં દર ચોમાસે લલુડી વોકળી, રૈયા રોડ, સાધુ વાસવાણી રોડ, જે.કે. ચોક, પંચાયતનગર, નાના મવા સર્કલ તેમજ મવડીના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હોવાથી તેનો ઉકેલ જરૂૂરી છે. પણ મનપા દ્વારા ચોમાસા પુરતી વ્યવસ્થા કરી દેવાય છે અને પછી સમસ્યા ભૂલી જવાય છે.
આગામી ચોમાસુ સામાન્ય કરતા વિશેષ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી ચૂકી છે. ત્યારે ચોમાસા દરમિયાન રાજકોટ શહેરમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા થતી સમસ્યાને પહોંચી વળવા માટે પ્રિ-ન્મોન્સૂન તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ વખતે મ્યુ. કમિશનરે ચોમાસાને કારણે રસ્તાઓ પર પડતા ખાડાઓની તાત્કાલિક મરામત થાય તે માટે ઝોનવાઈઝ કવિક રિસ્પોન્સ ટીમ રચવા પણ આદેશ કર્યો છે. તેમજ ડ્રેનેજ કે ખુલ્લી ગટરની સફાઈ કામગીરી દરમિયાન જાહેર સલામતી ખાતર, રસ્તા પર કામ ચાલુ છે તેની જાણકારી લોકોને મળી રહે તે માટે વર્ક ઇન પ્રોગ્રેસના બોર્ડ ગટરના ઢાંકણાં પાસે કે ખુલ્લી ગટર પાસે અચૂક રાખવા સૂચના પણ આપી હતી.