રૂ. 5.34 કરોડના ખર્ચે સ્વાતિ પાર્ક મેઇન રોડને ડેવલપ કરવામાં આવશે, 14 રેલનગર અંડરબ્રીજના પમ્પિંગ સ્ટેશનનું મેન્ટેનન્સ, પેવીંગ બ્લોક વગેરેના કામો પણ મંજૂર
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપા કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં વોર્ડ નં.18ના કોઠારીયા વિસ્તારમાં સળગતા પ્રશ્નો જેવા સ્વાતિપાર્ક મેઇન રોડને ડીઝાઇન રોડ તરીકે રૂ. 5.34 કરોડના ખર્ચે ડેવલપ કરવા સહિત કુલ રૂપિયા 11.27 કરોડની કિંમતના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. વોર્ડ નં. 18નાં કોઠારીયા વિસ્તારમાં તાજેતરમાં જ તંત્રએ રોજ પાણી વિતરણ શરૂ કર્યુ છે. ત્યારે સ્વાતિપાર્ક રોડનું કામ મંજુર થતા હવે રસ્તાનો પ્રશ્ન પણ દુર થશે.
- Advertisement -
આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે વોર્ડ નં.18ના સાંઇબાબા સર્કલથી નેશનલ હાઇવે સ્વાતિ પાર્કના 24 મીટરને ડિઝાઇન રોડ તરીકે ડેવલપ કરવા માટે 5.87 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં મારૂતિનંદન ક્ધસ.એ સૌથી નીચા 9 ટકા ડાઉન ભાવ આપતા તે મંજૂર કરવા માટે સમિતિમાં પ્રસ્તાવ આવ્યો છે. આથી આ કામ 5.34 કરોડના ખર્ચે થઇ શકશે. કોઠારીયાનો આ મેઇન રોડ હાઇવેથી માંડી વોર્ડની જુદી જુદી સોસાયટીને ટચ કરે છે અને અવરજવર માટે મુખ્ય માર્ગ છે.
અનેક વખત આ રોડ બનાવવા માટે લોકો રજુઆત કરી ચુક્યા છે. પરંતુ તબકકાવાર મેટલીંગ અને તે બાદ પુરતો સમય આપ્યા પછી જ ડામર રોડ થઇ શકે છે. આ સુવિધાજનક ડિઝાઇન રોડ બનાવાશે. હાઇવેથી આવતા તોતીંગ વાહનોના વજન પણ આ રોડ સહન કરી શકે તે પ્રકારનું કામ કરાવવામાં આવશે. એકંદરે 1.4 કિ.મી. એટલે કે 1460 રનીંગ મીટરમાં રોડ ડેવલપ કરવામાં આવશે.
20માંથી 14 દરખાસ્ત પાસ, 6 પેન્ડિંગ
સ્થાયી સમિતિના એજન્ડા પર કુલ 20 દરખાસ્તો હતી. જેમાંથી 14 દરખાસ્તો મંજુર કરી 6 પેન્ડિંગ રાખવામાં આવી છે. મંજુર થયેલી દરખાસ્તોમાં વોર્ડ નંબર 15માં રામનગર શાક માર્કેટ વિસ્તાર આવેલો છે. અહીં મનપાના ખુલ્લા પ્લોટમાં ભુલકાઓ માટે 4 આંગણવાડી બનશે. આ માટે રૂ. 31.27 લાખનું કામ શ્રીજી ક્ધસ.ને 29 ટકા ઓન સાથે આ કામ અપાશે. ત્યારે 40.33 લાખના ખર્ચે બાળકો માટે આ સુવિધા ઉભી થશે. આ ઉપરાંત વોર્ડ નં.11ના મોટા મવામાં મેટલીંગ, વોર્ડ નં.1માં ગાર્ડન ફરતે વોલ અને જાળી, વોર્ડ નં.12ના મવડી ચોક ખાતે મોર્ડન ટોયલેટ, રેલનગર અંડરબ્રીજના પમ્પિંગ સ્ટેશનનું મેન્ટેનન્સ, પેવીંગ બ્લોક વગેરેના કામો પણ મંજૂર કરવામાં આવ્યા છે.