નાના મવા સર્કલ, સાધુ વાસવાણી રોડ અને અમીન માર્ગ પર આવેલા ખુલ્લા પ્લોટમાં મેળાનું આયોજન
તા. 16 જુલાઈ ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ, 10-08થી 08-09 સુધી મેળો યોજાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
બે વર્ષ બાદ રંગીલા રાજકોટવાસીઓ મેળાનો આનંદ ઉઠાવશે. કોરોનાના લીધે બે વર્ષથી મેળો બંધ રાખવામાં આવ્યો હતો. જ્યારે આ વર્ષે મહાનગરપાલિકા દ્વારા મેળાની તડામાર તૈયારી શરૂ કરી દેવાઈ છે. જેના માટે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ ટેન્ડર બહાર પાડ્યું છે. મનપા કુલ ત્રણ પ્લોટ ખાનગી મેળાને ભાડે આપશે. તા. 10 ઓગષ્ટથી લઈ 8 સપ્ટેમ્બર સુધી મેળો ચાલુ રહેશે. જેમાં નાના મવા સર્કલ પાસે 9438 ચો.મી. પ્લોટ, સાધુ વાસવાણી રોડ પર રાજ પેલેસ સામેનો 5388 ચો.મી. અને અમીન માર્ગ પર ઝેડ બ્લ્યુની સામેનો 4669 ચો.મી. પ્લોટ મનપા ભાડે આપશે.
મેળામાં ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 16 જુલાઈ છે મેળામાં રમકડાના સ્ટોલ, યાંત્રિક રાઈડ્સ અને ખાણીપીણીના સ્ટોલ માટે ટેન્ડર ભરાશે. જ્યારે રેસકોર્સ મેદાનમાં આ વર્ષે ભાતીગળ મેળો પણ યોજાશે જેના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
આ લોકમેળાના સ્ટોલ માટે આજથી ફોર્મનું વિતરણ શરુ કરી દેવામાં આવેલ છે. જેમાં આજે પ્રથમ દિવસે 200થી વધુ ફોર્મ ઉપડી ગયા છે. વર્ષ 2019માં રેસકોર્સ ગ્રાઉન્ડ અને ખાનગી મેળાનું આયોજન કરાયું હતું જ્યારે છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારી હોવાથી તંત્રએ મેળો રદ કર્યો હતો.