બ્રિજના કસમયે કામો શરૂ કરાતા અને રાત્રિ કર્ફ્યુ ધરાર જારી રાખતા શહેરમાં પસાર થવું મૂશ્કેલ
રાજકોટ મહાપાલિકા દ્વારા એક તો વિકાસકામો ક્યારેય સમયસર શરૂ નથી થતા કે સમયસર પૂરા થતા નથી ત્યારે શંકાસ્પદ કારણો સાથે કાલાવડ રોડ-રીંગરોડ પર એક સાથે ચાર બ્રીજના કામ જાન્યુઆરીમાં ખાતમુહુર્ત વખતે શરૂ નહીં કરીને હવે અમે કામો શરૂ કર્યા છે તેવું દેખાડવા માંગતા હોય તેમ ચોમાસા પૂર્વે કસમયે શરૂ કરાતા અને બીજી તરફ માધાપર ચોક, હોસ્પિટલ ચોક, લક્ષ્મીનગર નાલા સહિતના કામો પણ ચાલતા હોય લોકોની અવરજવર બાનમાં લેવાઈ છે અને મનપાના કામોથી શહેરની ટ્રાફિક સમસ્યા ગંભીરમાંથી અતિ ગંભીર બન્યાના દ્રશ્યો સર્જાયા હતા.
- Advertisement -
જે કામો શરૂ કરાયા છે તે સમયસર પૂરા કરવામાં મનપા ઘોર નિષ્ફળ રહી છે તે સર્વવિદિત છે. હોસ્પિટલ ચોક બ્રીજ તેનું તાજુ ઉદાહરણ છે જે કામનું મુખ્યમંત્રીએ આમ્રપાલી અન્ડરપાસ વખતે જ ખાતમુહુર્ત કર્યું, એક અન્ડરપાસ રેલવે દ્વારા ચૂસ્ત લોકડાઉનના સમયમાં પૂરૂં કરી લેવાયું ત્યારે મનપા હસ્તકના હોસ્પિટલ ચોક બ્રીજના કામને મહિનાઓ સુધી શરૂ જ કરાયું નહીં અને અત્યારે અત્યંત ઢીલાશથી આ કામ થતા રોજ લાખો વાહનચાલકો હેરાન થતા રહ્યા છે.
આ સ્થિતિમાં હવે ત્રણ-ચાર હોસ્પિટલ બની જાય એટલા કરોડો રૂ।.તો માત્ર એજન્સીને ઓન તરીકે ચૂકવીને ધરાર શરૂ કરાયેલા કાલાવડ રોડ, રીંગરોડ પરના ચાર ફ્લાયઓવરના કામોમાં કોરોના કાળમાં કોઈ ઉતાવળ કે અગ્રતા નહીં હોવા છતાં શરૂ કરી દેવાતા અને આ માટે આડસો મુકી રસ્તો બંધ કરાતા લોકો અસહ્ય હાલાકી વેઠી રહ્યા છે.
લક્ષ્મીનગર નાલાએ અન્ડરબ્રીજનું કામ હજુ પૂરૂં થયું ન હોય ત્યાં રસ્તો બંધ છે જેના પગલે અમીનમાર્ગ તરફ જતા, હેમુ ગઢવી હોલ પાસે ટાગોર રોડ, ઉપરાંત સરદારનગર એસ્ટ્રોન ચોક, યાજ્ઞિાકરોડ વગેરે માર્ગો પર ઠેરઠેર ટ્રાફિક જોવા મળ્યો છે.
- Advertisement -
તંત્રને એ સમજ હોવી જરૂરી છે કે જ્યારે લાંબો સમય લોકડાઉન રહ્યા બાદ રસ્તા ખોલાય ત્યારે લોકોની અવરજવર વધતી હોય છે. ઉપરાંત સરકારે ધરાર અને ધરાર રાત્રિ કર્ફ્યુ જારી રાખ્યો છે જે કારણે લોકોએ રાત્રે ૯ પહેલા ઘરે પહોંચવું હોય છે. અત્યારે ટ્રાફિક બહુ હશે તેમ માનીને લોકો મોડેથી નીકળી શકવાનું પ્લાનીંગ કરી શકતા નથી. કારણ કે દુકાનો પણ ૩ વાગ્યે બંધ હોય છે અને હજુ પણ તે સાંજે ૬ વાગ્યે બંધ કરી દેવાશે.
આ સ્થિતિના કારણે ધોમધખતા તાપમાં, પ્રદુષણ ઓકતા ધુમાડા વચ્ચે લોકોએ લાંબી કતારોમાં પસાર થવા મજબુર બન્યા છે જેની પ્રતિકૂળ અસર જનસ્વાસ્થ્ય પર પડવાની પણ સંભાવના છે. મેયર, મ્યુનિસિપલ અને પોલીસ કમિશનર વગેરેએ આ સ્થળે ટ્રાફિકના સમયે જાતે જઈને શક્ય એટલી લોકોને રાહત મળે તેવા પ્રયાસો કરવાની જરૂર છે



