‘ચૂંટણી પતી ગઈ હવે દેશની સમસ્યાઓ પર ધ્યાન આપો’ RSS પ્રમુખની મોદી સરકારને શીખામણ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.11
- Advertisement -
મણિપુર છેલ્લા એક વર્ષથી શાંતિની રાહ જોઈ રહ્યું છે. દસ વર્ષ શાંતિ હતી ત્યારે ગન કલ્ચર ખતમ થઈ ગયું હોવાનું લાગ્યું હતું પણ રાજ્યમાં અચાનક બે જૂથો કુકી ઝો એને મૈતેઈ વચ્ચે હિંસા ભડકી ઉઠી છે. સરકારે મણીપુરની સ્થિતિ બાબતે તાકીદ વિચારણા કરવી જોઇએ. સરકારે ચૂંટણીમાંથી પરવારી દેશની સમસ્યાઓ પર ધ્યાન આપવાની જરૂૂર છે તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે નાગપુરમાં રેશીમબાગ ખાતે યોજાયેલાં કાર્યકર્તા વિકાસ વર્ગ દ્વિતિયમાં ભાગ લઈ રહેલાં તાલીમાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું. સંઘના વડાએ શીખામણ આપતાં જણાવ્યું હતું કે ચૂંટણીએ લોકશાહીમાં સર્વસંમતિ સાધવાની આવશ્ર્યક પ્રક્રિયા છે અને સંસદમાં બંને પક્ષોને સ્થાન છે. ચૂંટણી પ્રચાર દરમ્યાન એકબીજાની આકરી ટીકાઓ કરવાની, ટેકનોલોજીનો દુરૂૂપયોગ કરવાની અને ખોટી માહિતી ફેલાવવાની મથરાવટીની તેમણે ટીકા કરી હતી. ભાગવતે જણાવ્યું હતું કે પરસ્પર અપપ્રચાર કરવામાં આરએસએસ જેવા સ્વૈચ્છિક સંગઠનોને પણ ઘસડવામાં આવ્યા હતા. તેમણે ઉમર્યું હતું કે ચૂંટણી પ્રચાર દરમ્યાન કોઈએ અપપ્રચારથી દૂર રહેવાની દરકાર કરી નહોતી.
જેના કારણે બંને જૂથો વચ્ચે ગજગ્રાહ વકર્યો હતો અને તેમાં સંઘ જેવા સંગઠનને પણ ઘસડવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે લોકશાહીમાં ચૂંટણી અનિવાર્ય પ્રક્રિયા છે. આ કોઈ લડાઈ નથી. વિરોધીઓને દુશ્ર્મન ન ગણવા જોઈએ. સંસદમાં ચૂંટાયેલા લોકોએ જ દેશ ચલાવવાનો હોય છે. જે પ્રકારે એકબીજા સામે અપપ્રચાર થયો, જે રીતે પ્રચાર થયો તેનાથી સમાજમાં વિસંવાદ જ સર્જાશે. ભાગવતે ચૂંટણીમાં શિષ્ટાચારના અભાવ બાબતે એફસોસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ચૂંટણી દરમ્યાન એક ચોક્ક્સ ગૌરવ જળવાવું જોઈએ. જે આ વખતે જળવાયું નહોતું. ભાગવતે વિરોધીને સ્થાને પ્રતિપક્ષ શબ્દ વાપરવોનું સૂચન કર્યું હતું તેમણે કહ્યું હતું કે આખરે વિપક્ષ પણ એક પક્ષ છે. તે કોઈ દુશ્ર્મન નથી. તેમના અભિપ્રાયોને પણ ધ્યાને લેવાવા જોઈએ. વડાપ્રધાન મોદીએ તેમની બીજી મુદત દરમ્યાન હિંસાગ્રસ્ત મણીપુરની મુલાકાત ન લીધી હોવાથી તેમની ટીકા થઈ છે જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગયા વર્ષે હિંસાગ્રસ્ત રાજ્યની મુલાકાત લઈ ત્યાંથી તેમની ભારત જોડો ન્યાયયાત્રા શરૂૂ કરી હતી. દરમ્યાન મણીપુરના મુખ્યપ્રધાન એન. બિરેનસિંહ હિંસાગ્રસ્ત જીરીબામ વિસ્તારની મુલાકાતે જઈ રહ્યા હતા ત્યારે તેમના કાફલા પર સોમવારે કોટલેનમાં સશસ્ત્ર હુમલો કરવામાં આવ્યો હતો.