4 આરોપી અને સાડા પાંચ લાખ જેટલી માતબર રકમ કબ્જે કરી
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
તાજેતરમાં અમદાવાદ શહેરના મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પગલા મંદિર સામે, જયનગર સોસાયટી, રામબાગ ખાતે રહેતા અને સોનાનો શો રૂમ ધરાવી વેપાર કરતા ફરિયાદી મહેશભાઈ ફૂટરમલ સોનીના રહેણાંક મકાનમાં માતબર રકમનું ઘરફોડ ચોરીની ઘટનામાં અમદાવાદ શહેર જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.પી.ઉનડકટ, ડી સ્ટાફના પીએસઆઇ વી.એમ.પરમાર તથા સ્ટાફના પો.કો. અર્જુનસિંહ, મયુદીનભાઈ, અબ્દુલભાઈ, હરસુરભાઈ, દેવુસિંહ, પરિમલભાઈ, અનિલભાઈ, સહિતની પોલીસ ટીમ દ્વારા જીણવટ ભરી તપાસ હાથ ધરી, સીસીટીવી ફૂટેજ તથા પોકેટ કોપ એપ્લિકેશન આધારે ગણતરીના કલાકોમાં સાડા પાંચ લાખ જેટલી માતબર રકમની ઘરફોડ ચોરીનો ગુન્હો ડિટેકટ કરી, તમામ ઓરીજીનલ મુદામાલ સાથે ચાર આરોપીઓની ઘરફોડ ગેંગને પકડી પાડવામાં આવી હતી.
- Advertisement -
જ્યારે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે ડિવિઝન ના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.પી.ઉનડકટ, પીએસઆઈ વી.એમ.પરમાર તથા સ્ટાફ દ્વારા ફરિયાદીને સામેથી બોલાવી, નામદાર કોર્ટમાં અરજી કરાવી, તમામ કાર્યવાહીમાં મદદરૂપ થઈ, તાત્કાલિક મુદ્દામાલ પરત સોંપવા અભિપ્રાય સહિતની કાર્યવાહી કરવામાં આવતા, ચોરી થયાને 08 દિવસની અંદર ઘરફોડ ચોરીમાં ગયેલ માતબર રકમનો મુદ્દામાલ કિંમત રૂ. 5,65,000/- નો ફરિયાદીને મણિનગર પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવી, ડીસીપી ઝોન 06 શ્રી રવિ મોહન સૈની, ના માર્ગદર્શન હેઠળ જે ડિવિઝન ના એસીપી પ્રદીપસિંહ જાડેજા તથા મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.પી.ઉનડકટ, સહિતના તમામ પોલીસ અધિકારીઓની હાજરીમાં સોંપવામાં આવી હતી.અમદાવાદ શહેર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમના ભાગરૂપે માત્ર 08 દિવસમાં ફરિયાદીને માતબર રકમના સોના ચાંદીના દાગીના, માતાજીની મૂર્તિ, પૂજાના સામાન સહિત પરત કરવામાં આવતા, ફરિયાદી તથા તેના પિતા ભાવ વિભોર થયા હતા અને વારંવાર મણિનગર પોલીસનો આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. ઘરફોડ ચોરી થયા બાદ એક અઠવાડિયા જેટલા ટૂંકા સમયમાં પોતાના સોના ચાંદીના દાગીના પરત મળ્યા હોય, એવી આ ત્રીજી ઘટના હોઈ, આ પહેલા પણ મણિનગર પોલીસ દ્વારા ઘરફોડ ચોરીના બે ગુન્હામાં ગણતરીના કલાકોમાં આરોપીઓને શોધી, તમામ ઓરિજિનલ મુદામાલ કબ્જે કરીને ફરિયાદીને તાત્કાલિક સોંપવામાં આવી હતી . આમ, મણિનગર પોલીસ દ્વારા માતબર રકમની ઘરફોડ ચોરીના ગુન્હાઓનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી, ઓરિજિનલ મુદામાલ કબ્જે કરી, તાત્કાલિક મુદામાલ પરત અપાવવાની બાબતમાં હેટ્રિક લગાવી, ત્રણેય કિસ્સામાં આશરે 30 લાખનો મુદામાલ ત્રણેય ફરિયાદીને પરત અપાવી, ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે