આશીર્વાદ માર્કેટીંગ પેઢીમાંથી લાલ મરચામાં કલરની ભેળસેળ
પ્રાઈવેટ મેળામાં સ્વાદના ચટકારા લેતાં પહેલાં વિચારજો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં શ્રાવણ માસના તહેવારોને અનુલક્ષી ચાલી રહેલો પ્રાઈવેટ મેળો રીયલ જન્માષ્ટમી મેળો અને રોયલ જન્માષ્ટમી મેળામાં વાસી મંચુરિયન અને અખાદ્ય પાઈનેપલ શરબતનો મનપાની ફૂડ વિભાગ શાખા દ્વારા નાશ કરવામાં આવ્યો હતો.
વધુમાં રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા નવી દરજી બજાર, કાપડ માર્કેટ પાછળ આશીર્વાદ માર્કેટીંગ પેઢીમાંથી લાલ મરચા પાવડર (લુઝ), હળદર પાવડર (લુઝ), ધાણાજીરુ પાવડર લુઝનો જથ્થો શંકાસ્પદ જણાતા મસાલા પાવડરની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કલરની ભેળસેળ કરતાં હોવાનું સામે આવ્યું છે. ફૂડ વિભાગને શંકાસ્પદ જણાતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ખાદ્યચીજના નમૂનાઓ રી-એનાલીસીસ અર્થે રેફરલ ફૂડ લેબોરેટરી, પૂણે ખાતે મોકલવામાં આવ્યા હતા. જેમાં લાલ મરચા પાવડર (લુઝ)નો નમૂનો ડાયરેકટર, રેફરલ ફૂડ લેબોરેટરી, પૂણે દ્વારા મકાઈની સ્ટાર્ચ યુક્ત તેમજ નોનપરમિટેડ ઓઈલ સોલ્યુબલ રેડ અને ઓરેન્જ કલર (એકસ્ટ્રાનીયસ કલર તરીકે)ની હાજરી મળી આવતા લાલ મરચા પાવડરનો નમૂનો અનસેફ અને સબસ્ટાન્ડર્ડ જાહેર કર્યો છે.
વધુમાં ફૂડ વિભાગ દ્વારા રાજકોટ શહેરમાં શ્રાવણ માસના તહેવારોને અનુલક્ષીને ન્યુ રીયલ જન્માષ્ટમી મેળો (પ્રાઈવેટ મેળો) ગ્રીનલેન્ડ ચોકડી રાજકોટમાં આવેલ 12 ફૂડ સ્ટોલનું ચેકીંગ કરવામાં આવ્યું છે. જેમાં 12 ફૂડ સ્ટોલનું ચેકીંગ કરવામાં આવ્યું તેમજ સ્થળ પર ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
ચાઈનીઝ મંચુરિયન -નુડલ્સનું વેચાણ કરતા ફૂડ સ્ટોલ પર તપાસ કરતાં અખાદ્ય વાસી મંચુરિયન મળી આવતા સ્થળ પર નાશ કર્યો હતો તથા રજવાડી ભેળ સેવપુરી, દહીંપુરીનું વેચાણ કરતા ફૂડ સ્ટોલ પર તપાસ કરતાં વાસી ચટણી 7 કિલો તેમજ ભૂંગળા બટેટા, ફીંગર ચિપ્સનું વેચાણ કરતા ફૂડ સ્ટોલ પર તપાસ કરતાં ઉપયોગમાં લેવાતા દાઝીયુ તેલ 3 કિલોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો અને રોયલ જન્માષ્ટમી મેળો (પ્રાઈવેટ મેળો) વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ પર આવેલા 14 ફૂડ સ્ટોલનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જ્યાં ઈન્ડિયન જ્યુસ સેન્ટરમાં શરબતનું વેચાણ કરતા ફૂડ સ્ટોલ પર તપાસ કરતાં અખાદ્ય પાઈનેપલ શરબત 5 લીટર જથ્થાનો સ્થળ પર નાશ કર્યો હતો અને ન્યુ બોમ્બે સ્ટાઈલ ભેળમાં અખાદ્ય વાસી બાફેલા બટેટા 4 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.