ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ફૂડ વિભાગની તવાઈ
ઉમિયા ચોકથી કુવાડવા રોડ વિસ્તારમાં આવેલા ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 28 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરાઇ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ચાઈનીઝ, પંજાબી ખાવાના શોખીનો હોટેલ રેસ્ટોરાંમાં ફૂડની મજા માણવા જતાં પહેલાં વિચાર કરજો. કારણ કે રાજકોટમાં આવેલા ‘જય માતાજી ચાઈનીઝ પંજાબી’ પેઢીમાંથી વાસી મંચુરીયનનો જથ્થો મળી આવ્યો હતો તેમજ ‘સાવરીયા પાઉંભાજી પુલાવ’ને ત્યાંથી વાસી પાઉં મળી આવ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન હુન્ડાઇ શોરૂમ પાસે, 80 ફૂટ રોડ ‘જય માતાજી ચાઇનીઝ પંજાબી’ પેઢીની તપાસ કરતાં સ્થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલો વાસી અખાદ્ય મંચુરિયનનો અંદાજિત 5 કિ.ગ્રા. જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તેમજ હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી. આ સાથે ‘સાવરીયા પાઉંભાજી પુલાવ’ પેઢીની તપાસ કરતાં સ્થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલ વાસી અખાદ્ય પાઉંના પેક્ડનો અંદાજીત 4 કિ.ગ્રા. જથ્થો મળી આવતાં સ્થળ પર નાશ કરાયો તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તેમજ હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.
ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ઉમિયા ચોકથી બાપા સીતારામ ચોક સુધીના તથા કુવાડવા રોડ વિસ્તારમાં આવેલા ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 28 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 13 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવી હતી તેમજ ખાદ્ય ચીજોના કુલ 28 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી તેમજ ધોરાજી ગાંઠિયા રથ, શ્રી યમુના ફરસાણ, ભગવતી શીખંડ, બજરંગ ડેરી ફાર્મ, સદ્ગુુરુ ડેરી ફાર્મ, બાલાજી ઘૂઘરા, પટેલ ચાઇનીઝ પંજાબી, નટરાજ પાન, જોકર ગાંઠિયા, શક્તિ કોલ્ડ્રિંક્સ, ક્રિષ્ના પાણીપુરી, મહાકાળી પાણીપુરી, મારવાડી પાણીપુરી સહિતનાને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તથા ધારેશ્ર્વર ડેરી ફાર્મ, બ્રહ્માણી ફરસાણ, મિલન ખમણ ખીરું, શ્રીમંદિર કોલ્ડ્રિંક્સ, ખોડલ ફરસાણ, ખોડિયાર જનરલ સ્ટોર્સ, બાલમુકુન્દ ફરસાણ, પટેલ ડાઈનીંગ હોલ, હિમાલયા સોડા, ડીએનએસ ડેઝર્ટસ એન્ડ શેક, કૈલાશ ભેળ, બજરંગ પાન કોલ્ડ્રિંક્સ, ચામુંડા ફરસાણ, ડાયમંડ શીંગ, ધીરજ ફરસાણની ચકાસણી કરવામાં આવી હતી.