માણાવદરની માઠી દશા જોવા મળી રહી છે
પંચાયતથી પાર્લામેન્ટ સુધી એકજ સરકાર પણ માણાવદર પંથકનો વિકાસ ક્યારે થશે?
- Advertisement -
માણાવદરના લોકો હિજરત કરી રહ્યા છે ત્યારે શહેરનું નામું નખાઈ જાય તો નવાઈ નહીં
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
માણાવદર તાલુકાના ગામડાથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ધારાસભ્ય, સાસંદ સભ્ય ભાજપના હોવા છતાં માણાવદર પંથકની માઠી દશા બેઠી છે ત્યારે દિવસેને દિવસે માણાવદર તાલુકાનો વિકાસને બદલે ધીમે ધીમે વિનાશ થઈ રહ્યો છે. માણાવદર તાલુકામાં એક જમાનામાં જીનીંગ, પ્રેસિંગ ઓઇલ મિલો, વેજીટેબલ ઘી પ્લાન્ટ જેવા ઉદ્યોગથી માણાવદર પંથક ધમધમતો હતો. રેલ્વે લાઈન, માલગાડી, ટ્રક ટ્રાન્સપોર્ટેશન થી માણાવદર તાલુકાનું ઉદ્યોગ ધંધાનો વિકાસનું માન્ચેસ્ટર ગણાતું હતું. અને ગુજરાત જ નહીં પરંતુ બીજા રાજ્યોના લોકો પણ અહીં રોજગારી મેળવતા હતા. છેલ્લા કેટલાક સમયથી માણાવદર તાલુકાની માઠી દશા બેઠી છે. ઉદ્યોગ ધંધાને નામે હવે માત્ર ખંઢેર કારખાનાઓ ધંધા રોજગારો વિના બજારો પણ સુમસામ બની ગઈ છે. માણાવદર તાલુકાની ગ્રામ પંચાયતો, માણાવદર, બાટવા નગરપાલિકા તાલુકા પંચાયત, ધારાસભ્ય અને સંસદમાં ભારત સરકારના મંત્રી તરીકે ડો .મનસુખભાઈ માંડવીયા કાર્યરત છે, ત્યારે સંસદમાં તોતિંગ બહુમતીથી ચૂંટાઈને પ્રતિનિધિત્વ કરે છે. ત્યારે માણાવદર – બાંટવા – વંથલી પંથકમાં રોજગાર ધંધા માટે કોઈ ઉદ્યોગ, ઇન્ડસ્ટ્રીઝ ઝોન કે જીઆઇડીસીનું નિર્માણ કરીને સ્થાનિક રોજગારી ઓને તક મળે તે માટે ઉદ્યોગ સ્થાપવાની જરૂર છે .વંથલી પંથકમાં ચીકુ, રાવણા કેરી અન્ય પાકો આધારિત કોઈ ઉદ્યોગ લાવે તે જરૂરી છે વેપાર, ધંધા – રોજગાર હોયતો રેલવે લાઇન, બસ વ્યવહાર ટ્રાન્સપોર્ટેશન વધુ સુવિધા મળે પરંતુ આ પંથકમાં ઉદ્યોગ – ધંધા ને નામે મીંડું છે. એક અંદાજ મુજબ પ્રત્યેક દિવસે માણાવદર માંથી ધંધા – રોજગાર અને અભ્યાસ માટે એક ઘર માણાવદર – બાટવા પંથકમાંથી હિજરત કરે છે. ત્યારે માણાવદર બાંટવા અને વંથલી આર્થિક, સામાજિક અને ભૌતિક વિકાસ કરે તેવું માણાવદર – બાંટવા વંથલી પંથકની જનતા ઈચ્છી રહી છે અપૂરતી સુવિધાવાળી એસટી સેવાઓ અને નોકરી, ધંધા, વેપાર રોજગારી માટે માણાવદર, બાંટવા થી અન્ય સ્થળે અપ ડાઉન કરતા કે હિજરત કરતા આ મલકના માણસોની વ્હારે વર્તમાન સરકાર આવે અને આ પંથકને ફરીથી ધમધમતું કરે તેવી માંગ ઉઠી છે.