જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે શેર બજારની ગેરકાયદે ઑફિસ ઝડપી પાડી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.જે. પટેલ અને અને તેમની ટીમે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સતત વોચ રાખી કેશોદમાં ચાલતા એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ પી.કે. ગઢવી અને તેમની ટીમને ખાનગી બાતમી મળી હતી કે, કેશોદના આંબાવાડી વિસ્તારમાં સરસ્વતી માર્કેટમાં ’ગણેશ ઓફસેટ’ નામની ઓફિસમાં રવિ રસિકભાઈ ગોહિલ નામનો શખ્સ શેરબજારના નિષ્ણાત તરીકે ટિપ્સ આપવાના બહાને લોકો સાથે ઠગાઈ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં આરોપી રવિ ગોહિલ હાજર મળી આવ્યો હતો. પૂછપરછમાં જાણવા મળ્યું કે, તે અલગ-અલગ રાજ્યોના લોકોના ડીમેટ એકાઉન્ટનો ડેટા મેળવી તેમને ફોન કરતો અને વિશ્વાસમાં લઈને શેરબજારમાં રોકાણ માટે ટિપ્સ આપતો હતો. આ ટિપ્સના બદલામાં તે ચાર્જ વસૂલ કરતો હતો. આરોપી પાસેથી ટિપ્સ આપવા માટેની સ્ક્રિપ્ટ અને લગભગ 10 લાખ જેટલો ડીમેટ એકાઉન્ટનો ડેટા મળી આવ્યો છે. આરોપી રવિ ગોહિલ પાસે આવી પ્રવૃત્તિ કરવા માટે કોઈ પરવાનો કે આધાર-પુરાવા ન હતા. તે ગ્રાહકોને પહેલાં ફ્રી ડેમો આપતો અને પછી ’મારુતિ કેપિટલ’ નામના ગ્રુપમાં એડ કરીને ચાર્જ વસૂલ કરતો હતો. પોલીસે રેડ દરમિયાન કમ્પ્યુટર, સીપીયુ અને અન્ય મુદામાલ જપ્ત કરી આરોપી રવિ ગોહિલ રહે. દેવાણી નગર, કેશોદ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.