ઓરિસ્સાના શખ્સને SOGએ બાતમી આધારે ઝડપી લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અક્ષર માર્ગ મેઈન રોડ ગૌતમનગરમાંથી એસઓજીએ 7.935 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઓરિસ્સાના બલાંગીર જીલ્લામાં રહેતાં તરની અબેલ સુના ઉ.25ને ઝડપી લીધો હતો.
ગાંજા માટે ગ્રાહકની શોધમાં હતો ત્યાં એસઓજીએ ઝડપી લીધો હતો એસઓજીના એએસઆઈ રાજેશભાઈ બાળા અને જમાદાર ઉપેન્દ્રસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે પીએસઆઈ એસ.વી. ધાસુરાએ ગૌતમનગર શેરી નં. 3માં ઉભેલા તરની પાસેના રેકઝીનના થેલાની તલાશી લેતાં અંદરથી 7.935 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જેની કિંમત એસઓજીએ રૂા.79, 350 ગણી હતી. એક મોબાઈલ ફોન અને રૂા.700 રોકડા મળી કુલ રૂા.85 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
એસઓજીએ તપાસ કરતાં જાણવા મળ્યું કે તરની અગાઉ ચાર વર્ષ રાજકોટ રહી ચૂકયો છે. તેના વતનના ઘણાં લોકો પણ હાલ રાજકોટ રહી રહ્યા છે જેમની પાસેથી તેને જાણવા મળ્યું હતું કે રાજકોટમાં ગાંજાની ઉંચી કિંમત મળે છે. ઓરિસ્સામાં રૂા.પ હજારમાં 1 કિલો મળતો ગાંજો રાજકોટમાં 15 હજારમાં વેચાય છે હાલમાં તેને પૈસાની ખૂબ જ જરૂર હોવાથી રાજકોટમાં ગાંજો વેચવા આવવાનું નક્કી કર્યું હતું. ગાંજાનો જથ્થો રેકઝીનના થેલામાં લઈ ટ્રેનમાં રાજકોટ આવવા રવાના થયો હતો. પોલીસને ચકમો આપવા સામખિયાળી પાસે ઉતરી બસમાં ગઈકાલે જ રાજકોટ પહોંચ્યો હતો. હાલમાં ગાંજો ખરીદે તેવા શખ્સોની તલાશમાં હતો ત્યાં બાતમી મળી જતાં એસઓજીએ દબોચી લીધો હતો ઉલ્લેખનીય છે કે ગાંજાના અનેક કેસોમાં ઓરિસ્સાનું કનેકશન ખુલ્યું છે.



