અમદાવાદ વટવા પોલીસ સ્ટાફે વાહન ચેકિંગની કાર્યવાહી હાથ ધરી
ભૂતકાળમાં ચોરી, મારામારી અને લૂંટ જેવા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, જેસીપી સેક્ટર 02 જયપાલસિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશનર, ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા મિલકત વિરુદ્ધના ગુન્હાઓ શોધી કાઢવા અને ગંભીર ગુન્હાઓ અટકાવવા હાલમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા કોમ્બીંગ અને વાહન ચેકીંગ કરવા અમદાવાદ શહેરના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ હતી.
તાજેતરમાં તા. 17 ડિસેમ્બરના રોજ વટવા ઇન્સાનિયત નગર ચાર માળિયા ખાતે રહેતા સઇદા બાનુ ઈરફાનખાન પઠાણના રહેણાંક મકાનમાંથી બાથરૂમની બારી તોડી પ્રવેશ કરી ઘરમાં રાખેલા બે મોબાઈલ, તિજોરીમાં મુકેલ રોકડ રકમ ચાંદીની પાયલ સહિત કુલ રૂ. 24,500/-ના મુદામાલની ચોરી થઈ હતી. આ બાબતે ફરિયાદી સઇદા બાનુ ઈરફાનખાન પઠાણ દ્વારા વટવા પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીનો ગુન્હો નોંધાવતા વટવા પોલીસ સ્ટેશનના પીઆઇ પી.બી.ઝાલા તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ બનાવની ગંભીરતા આધારે ડીસીપી ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે અમદાવાદ શહેર જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ પી. બી. ઝાલા, ડી સ્ટાફના પીએસઆઇ એ. બી. ગંધા તથા સ્ટાફના હે.કો. ઈલિયાસખાન, મનોજભાઈ, નરેન્દ્રસિંહ, અશોકભાઈ, પો.કો. અફઝલભાઈ, ભરતભાઈ, દિલીપભાઈ, જયરાજભાઈ, કુલદીપસિંહ, શક્તિસિંહ, રાજદીપસિંહ સહિતની પોલીસ ટીમ દ્વારા મળેલ બાતમી આધારે વટવા પોલીસ ટીમ દ્વારા અમદાવાદ શહેરમાં રાખવામાં આવેલા કોમ્બીંગ તથા વાહન ચેકીંગ દરમિયાન ગુજરાત ઓફસેટ પાસેથી આરોપી અરમાન ઉર્ફે ભુરા મુસ્તાકભાઈ પઠાણ (ઉ.વ. 21 રહે. ઇન્સાનિયત નગર, ચાર માળિયા, વટવા, અમદાવાદ)ને પકડી પાડી ઘરફોડ ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન નંગ 02, ચાંદીની પાયલ, રોકડ રકમ સહિત કુલ રૂ. 24,500/ના મુદામાલ સાથે પકડી ધરપકડ કરવામાં આવી હતી.
- Advertisement -
અમદાવાદ શહેર વટવા પોલીસની ટીમ દ્વારા પકડાયેલ આરોપીની પૂછપરછ કરવામાં આવતા, આ ગુન્હામાં પકડાયેલ આરોપી અરમાન ઉર્ફે ભૂરો આ પ્રકારના ગુન્હાઓ કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે અને ભૂતકાળમાં પણ ચોરીના, મારામારીના તથા લૂંટ અને હથિયાર ધારા ભંગના અસંખ્ય ગુનાઓમાં પકડાયો છે. પોતાને કોઈ કામધંધો ના હોય, નશો કરવાની ટેવ હોય, જીવન નિર્વાહ ચલાવવા માટે ચોરી, લૂંટ, મારામારી કરવાના રવાડે ચડી ગયો હોવાની કબૂલાત કરવામાં આવી છે.
આમ, વટવા પોલીસ દ્વારા ઘરફોડ ચોરી બાબતે તપાસ કરી, બાતમી આધારે આરોપીને મુદામાલ સાથે પકડી પાડી, ગુન્હો ડિટેક્ટ કરવામાં આવ્યો છે. વટવા પોલીસ સ્ટેશનના પીઆઇ પી.બી.ઝાલા, પીએસઆઈ એ.બી. ગંધા તથા સ્ટાફ દ્વારા આરોપીની ધરપકડ કરી, સઘન પૂછપરછ હાથ ધરી આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ભૂતકાળમાં હજુ વધુ બીજા કોઈ ગુન્હા આચરેલા છે કે કેમ? કોઈ ગુન્હામાં પકડાયેલ કે વોન્ટેડ છે કે કેમ? વિગેરે મુદાઓસર વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે.



