શેરબજારની ટિપ્સના બહાને 6 માસ પૂર્વે શીશામાં ઉતાર્યા હતા
પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે કાંગશીયાળીમાંથી પકડી સાયબર ક્રાઇમને સોંપ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં રહેતા પાટણના નિવૃત ડેપ્યુટી કલેક્ટરને છ મહિના પૂર્વે શેરબજારમાં રોકાણ કરવાની ટિપ્સ આપી સારો ફાયદો થશે તેવું જણાવી 64 લાખ પડાવી લીધા હોવાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 18 જૂનના રોજ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ એક આરોપીને કાંગશીયાળીમાંથી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ અર્થે આરોપીઓનો કબ્જો સાયબર ક્રાઇમ પોલીસને સોંપ્યો છે.
રાજકોટના બજરંગવાડીમાં લોટ્સ કોમ્પ્લેક્ષમાં રહેતા અને પાટણથી નિવૃત થયેલા ડેપ્યુટી કલેક્ટર દિનેશકુમાર સળિયાજી નિનામા ઉ.59એ ગત 18 જૂને જુદા જુદા ખાતાધારક અને જુદા જુદા મોબાઈલ નંબર ધારકો સામે 64,00,094 રૂપિયાની છેતરપિંડી અંગે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે ફરિયાદ નોંધાવ્યાના પાંચ મહિના પૂર્વે નિવૃત અધિકારીને અલગ અલગ નંબર ઉપર વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી તેમને શેરબજારની ટિપ્સ આપી શેરબજારમાં સારું એવું વળતર મળશે તેવી લાલચ આપી રોકાણ કરાવવામાં આવ્યું હતું અને જેમાં કુલ 64 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું તે પછી પણ વધુ રોકાણ કરવા જણાવતા હતા પરંતુ મારી પાસે પૈસા ન હોય જેથી હું અટકી ગયો હતો તે પછી પૈસા વિડ્રો કરવા પ્રયાસ કરતા વિડ્રો કરવા દેતા ન હતા જેથી મને શંકા જતા સાયબર ક્રાઇમમાં ઓનલાઇન અરજી કરી ફરિયાદ નોંધાવી હતી આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાની સૂચના અન્વયે પેરોલ ફર્લો સ્ક્વોડના પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાંત, પીએસઆઈ જી જે તેરૈયાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટીમના હ્યુમન રિસોર્સ અને ટેક્નિકલ એનાલિસિસના આધારે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલો શખ્સ કાંગશીયાળીમાં ભવ્ય એપાર્ટમેન્ટમાં રહેતો હોવાની માહિતી આધારે દરોડો પાડી જયદીપ ધનજીભાઈ વાડોલિયા ઉ.34ની ધરપકડ કરી વધુ તપાસ અર્થે સાયબર ક્રાઇમ પોલીસને કબ્જો સોંપ્યો છે.



