ગેરેજ સંચાલકે 4 લાખની ઠગાઇ અંગે નોંધાવી પોલીસ ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના યુનિવર્સિટી રોડ પર ઋષિકેશ એપાર્ટમેન્ટમાં રહેતા અને 150 ફૂટ રિંગ રોડ પર ઉમિયા સર્કલ પાસે માર્બલ ઓટો નામે કાર ગેરેજ ચલાવતા આધેડે તેના ગેરેજ પર રિપેરિંગ માટે આવેલી ઇનોવા કાર રિપેરિંગ કરી તેના ગેરેજે બેસવા આવતા શખ્સને સાચવવા માટે આપી હોય જે પરત માગતાં હમણા આવું છું, કહી ફોન બંધ કરી નાસી જતા માલવિયાનગર પોલીસે શખ્સ સામે ઠગાઇનો ગુનો નોંધી તેને પકડી લેવા કાર્યવાહી કરી છે. રાજકોટના ઋષિકેશ એપાર્ટમેન્ટમાં રહેતા અને મૂળ મદ્રાસી પોરકોવન સમ્મદમ મુદાલિયાએ ગોંડલ રોડ પર પરિન ફર્નિચર પાસે રહેતા યતિન કાંતિભાઇ મારવાડિયા સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, એકાદ વર્ષ પહેલાં તેના ગેરેજમાં અગાઉ કામ કરતાં અમિતભાઇ તેમની ઇનોવા કાર રિપેરિંગ માટે મૂકી ગયા હતા અને ત્રણ દિવસ બાદ તેને ફોન કરતાં તેનો અકસ્માત થયો હોય બાદમાં કાર લઇ જવાનું કહ્યું હતું. બાદમાં તેના ગેરેજમાં કારમાં કલરકામ કરવાનું હોય જેથી ઇનોવા કાર બહાર રાખી હતી. દરમિયાન તેના ગેરેજ પર અવાર-નવાર બેસવા આવતો યતિન કાંતિલાલ મારડિયાએ કાર તેના ઘેર રાખી દેવાનું કહ્યું હતું. થોડા સમય બાદ અમિતભાઇ કાર લઇ જવા માટે ગેરેજે આવતા ગેરેજ સંચાલકે યતિનભાઇને ફોન કર્યો અને થોડીવારમાં કાર તમને આપી જવાનું કહ્યા બાદ આવ્યા ન હતા અને ફોન ઉપાડવાનું બંધ કરી નંબર બ્લોકમાં નાખી દેતા ફરિયાદ કરી હતી.



