રાજકોટ પૂર્વ મામલતદાર કચેરી ખાતે એક જ ઓપરેટર હોવાથી અરજદારોને હાલાંકી
આધાર કાર્ડ, રાશન કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં જે તે સરનામું હોવા છતાં મામલતદારના દાખલાનો આગ્રહ કેમ?
માત્ર સવારે 11થી 2 વાગ્યા સુધીમાં જ દાખલા કાઢી અપાતા હોવાથી દરરોજ અનેક મહિલાઓને થતાં ધક્કા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ સહિત રાજ્યભરની આંગણવાડીઓમાં 9 હજારથી વધુ બહેનોની આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે ભરતી કરવાની છે જેના માટે હાલ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવી રહી છે. 18થી 33 વર્ષની ઉંમર ધરાવતી બહેનો હાલ વેબ પોર્ટલના માધ્યમથી અરજી કરી રહ્યા છે.
તા.30 ઓગષ્ટ અરજી કરવાનો છેલ્લો દિવસ હોવાથી રાજકોટથી તમામ મામલતદાર કચેરીમાં આંગણવાડી કાર્યકર તરીકે નોકરી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટસ કે જે અરજી સાથે બીડવાની હોય છે તે કઢાવવા ઉમટી પડી છે. ડોક્યુમેન્ટસમાં મામલતદારનો આવકનો દાખલો જરૂરી હોવાથી રાજકોટ તાલુકા અને પૂર્વ મામલતદાર કચેરીએ મહિલાઓની કતાર જોવા મળી રહી છે. માત્ર સવારે 11થી 2 વાગ્યા સુધીમાં જ દાખલા કાઢી અપાતા હોવાથી દરરોજ અનેક મહિલાઓને થતાં ધક્કા ખાવા પડે છે. આવક અને રહેઠાણના દાખલા એક જ જગ્યાએથી નીકળતા હોવાથી અરજદારોને હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય રીતે રાશનકાર્ડ કે આધાર કાર્ડ તે નાગરિકના રહેઠાણનો પુરાવો ગણાય છે અને તમામ કચેરીઓમાં માન્ય રખાય છે ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, આંગણવાડી બહેનોની ભરતીમાં અલગથી એટલે કે, મામલતદાર કચેરીનો જ રહેણાંકનો દાખલો કેમ માંગવામાં આવે છે ? રાશનકાર્ડ આધારકાર્ડ ઉપરાંત લાઇટબિલ, લિવિંગ સર્ટી, ભાડે રહેતાં હોય તો ભાડા કરાર, કોર્પોરેટરનો રહેઠાણનો દાખલો માંગવા છતાં મામલતદારની કચેરીના સિક્કા સાથેનો જ માન્ય રખાતા બહેનો સવારથી મામલતદારની ઝોનલ કચેરીમાં કતારમાં ઉભા રહી જાય છે પુરવઠા તંત્ર દ્વારા ઝોનલમાં ચેકિંગ કરવામાં આવતું નથી.
- Advertisement -
છેલ્લા બે દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે: રેણુકાબેન ભીંડોરા
અરજદાર રેણુકાબેન ભીંડોરાએ કહ્યું હતું કે, આવકનો અને રહેઠાણનો દાખલો એક જગ્યાએથી નીકળતો હોવાથી ધક્કા ખાવા પડે છે. ગઈકાલે આવ્યા હતા પણ વારો ન આવ્યો એટલે આજે આવવુ પડ્યું.
સવારના 10 વાગ્યાના લાઈનમાં ઊભા છે: રાજેશ પારધી (રીક્ષા ચલાવનાર)
રાજકોટ તાલુકા મામલતદાર કચેરી ખાતે આંગણવાડી કાર્યકર-તેડાગરની અરજી માટે રહેઠાણનો દાખલો ફરજીયાત છે. જેને લઈને રીક્ષા ચલાવનાર રાજેશ પારધી સવારના 10 વાગ્યાના લાઈનમાં ઊભા છે. રાજેશ પારધીએ જણાવ્યું કે, હું રીક્ષાનો ધંધો બંધ કરીને દાખલા માટે આવ્યો છું. સવારે 11થી 2 વાગ્યા સુધી જ અરજી સ્વીકારતા હોવાથી ઘણા લોકો પરત ફરી રહ્યા છે.



