વિસાવદરમાં સોલ્વન્સી સર્ટિફિકેટમાં છેડછાડ કરી છેતરપિંડી આચરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
વિસાવદરના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા વિસાવદર પોલીસ સ્ટેશનમાં એક લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ અનુસાર, મનસુખભાઈ ભીમાભાઈ પાટરીયા (રહે. ભટ્ટવાવડી, તા. વિસાવદર) અને ધર્મેશભાઈ હરીભાઈ કાનાણી (રહે. મોટી મોણપરી, તા. વિસાવદર) સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે.
- Advertisement -
મનસુખભાઈને રૂ. 75,000ના સોલ્વન્સી સર્ટિફિકેટની જરૂર હતી. જોકે, તેમના યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાં રૂ. 3,36,997નો બોજો હતો, જેના કારણે તેમને સર્ટિફિકેટ મળી શકે તેમ નહોતું. આ સંજોગોમાં, ધર્મેશભાઈ હરીભાઈ કાનાણી, જેઓ આમ આદમી પાર્ટીના લીગલ જોઈન્ટ સેક્રેટરી છે, તેમણે મનસુખભાઈ સાથે મળીને આર્થિક ફાયદા માટે આ ગુનો કર્યો હોવાનું એસઓજીના પીઆઈ જે.જે. પટેલે જણાવ્યું છે. આરોપી ધર્મેશભાઈએ મનસુખભાઈ પાસેથી રૂ. 7,000 મેળવીને બેંકના અસલ બોજા સર્ટિફિકેટમાં છેડછાડ કરી હતી. તેમણે બોજાની રકમ રૂ. 3,36,997માંથી લાખનો અંક (ત્રણ) દૂર કરીને 36,997.30 દર્શાવી દીધો હતો, જેથી સોલ્વન્સી સર્ટિફિકેટ મેળવી શકાય. આ સમગ્ર પ્રકરણમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના અસલ સર્ટિફિકેટમાં છેકછાક કરીને ગુનો આચરવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે સ્ટેમ્પ અરજી રજિસ્ટર પણ કબજે લીધું છે અને વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, ધર્મેશભાઈ કાનાણી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું લીગલ કામ પણ જોતા હોવાનું સામે આવ્યું છે.



