જોકે સંપૂર્ણ માંગણીઓ ન સ્વીકારાય ત્યાં સુધી હડતાલ યથાવત રાખવાની ડોકટરોની જાહેરાત: ડોકટરો સામે કોઈ કાર્યવાહી નહીં કરવાની મમતાની બાહેંધરી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.17
- Advertisement -
હડતાળ પર બેઠેલા જૂનિયર ડોકટરો સાથે વાત કર્યા બાદ મમતા સરકારે તેમની માંગણીઓ સ્વીકારી લીધી છે અને મેડિકલ એજ્યુકેશન ડાયરેક્ટર અને હેલ્થ સર્વિસના ડાયરેક્ટરને હટાવી દીધા છે. મમતાએ તબીબોને આશ્વાસન આપતા કહ્યું કે મંગળવારે સાંજે 4 વાગ્યા સુધીમાં કોલકત્તા પોલીસ કમિશનરને હટાવી દેવામાં આવશે અને વિનીત ગોયલની જગ્યાએ નવા સીપી ચાર્જ સંભાળશે. તેમજ મંગળવારે સુપ્રીમ કોર્ટની સુનાવણી બાદ ઘણા મોટા ફેરફારો થશે. ડોકટરોએ મમતા સરકાર પાસે પાંચ માંગણીઓ કરી હતી જેમાંથી ત્રણ માંગણી સરકારે સ્વીકારી છે.
સરકારના નિર્ણય પછી ડોકટરોએ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી છે કે, તેઓ હડતાલ યથાવત રાખશે કારણ કે તેમની સંપૂર્ણ માંગણીઓ હજુ સુધી સ્વીકારવામાં આવી નથી. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે કોલકાતા પોલીસના ડેપ્યુટી કમિશનર (ઉત્તર), જેમની સામે પીડિત પરિવારે લાંચનો આરોપ મુક્યો હતો, તેમને પણ હટાવવામાં આવશે. જૂનિયર ડોકટરોની માંગને જોતા કોલકાતા પોલીસ કમિશનર વિનીત કુમાર ગોયલે બેઠકમાં કહ્યું કે તેઓ રાજીનામું આપવા તૈયાર છે. વિનીત સાંજે 4 વાગ્યે નવા પોલીસ કમિશનરને જવાબદારી સોંપશે.
મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે બેઠક ‘સકારાત્મક’ હતી અને સરકારે ડોકટરોની પાંચમાંથી ત્રણ માંગણીઓ સ્વીકારી હતી અને જૂનિયર ડોકટરોને કામ પર પાછા ફરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું, “મેં આંદોલનકારી ડોકટરોને કામ પર પાછા ફરવાની અપીલ કરી છે કારણ કે તેમની પાંચમાંથી ત્રણ માંગણીઓ સ્વીકારવામાં આવી છે. વિરોધ કરી રહેલા ડોકટરો સામે કોઈ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે નહીં. મમતા સરકારે આરોગ્ય ક્ષેત્રના માળખાકીય સુવિધાઓ સાથે સંબંધિત તમામ બાબતોની સુનાવણી માટે મુખ્ય સચિવના નેતૃત્વમાં એક સમિતિની રચના કરી છે અને કહ્યું છે કે અમે ડેપ્યુટી કમિશનર (ઉત્તર) ને પણ હટાવવાનો નિર્ણય લીધો છે. કોલકાતા પોલીસ કમિશનરને હટાવવાની મુખ્યમંત્રીની જાહેરાત બાદ વિરોધ કરી રહેલા ડોકટરો ઉજવણી કરી રહ્યા છે. તેમજ કામ પર પાછા ફરવાની મુખ્યમંત્રીની અપીલનો પણ ડોક્ટરોએ હજુ સુધી જવાબ આપ્યો નથી. ડોક્ટરોએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, આ આંદોલનની જીત છે.
રાજ્ય પ્રશાસને અમારી મોટાભાગની માંગણીઓ સ્વીકારી લીધી છે એ વાત સાચી, પરંતુ આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ચર્ચાયો હતો. પરંતુ જ્યાં સુધી આવું નહીં થાય ત્યાં સુધી અમે વિરોધ પ્રદર્શન યથાવત રાખીશું. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ અમે કામ બંધ કરવા અંગે નિર્ણય લઈશું.



