વળતરની સ્પષ્ટતા વિના 765 ઊંટ લાઈનના વીજ પોલ ઊભા કરાતા રોષ: દોઢ કલાક સુધી વાહનોના થપ્પા લાગ્યા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.19
- Advertisement -
માળિયા (મિયાણા) તાલુકાના રાસંગપર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ કંપની દ્વારા 765 કેવીની હેવી વીજ લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોના ખેતરમાં વીજ પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે અને વીજ વાયરનો કોરિડોર પસાર થનાર છે. જોકે, અસરગ્રસ્ત ખેડૂતોને આના બદલામાં શું વળતર મળશે અને તે ક્યારે ચૂકવવામાં આવશે, તે બાબતે કંપની કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ મનસ્વી કામગીરીના વિરોધમાં ખેડૂતોએ શનિવારે બપોરે કામ અટકાવી દીધું હતું અને ખેતરમાંથી સામાન હટાવવા માંગ કરી હતી.
કોન્ટ્રાક્ટર દ્વારા સાંજ સુધી ખેતરમાંથી માલ-સામાન ન હટાવતા ખેડૂતોનો આક્રોશ બેવડાયો હતો. અસરગ્રસ્ત ખેડૂત નરેન્દ્રભાઈ રંગપરિયા અને સરપંચ અમિતભાઈ ઘુમલીયાની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ રાત્રિના સમયે કંડલા-જામનગર હાઈવે પર રાસંગપર પાટિયા પાસે ચક્કાજામ કર્યો હતો. લગભગ દોઢ કલાક સુધી રસ્તો બંધ રહેતા ટ્રક સહિતના વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા જોઈ કંપનીના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના માણસો સ્થળ પર દોડી આવ્યા હતા.ખેડૂતોએ મક્કમતાપૂર્વક માંગણી કરી હતી કે જ્યાં સુધી વળતર નક્કી ન થાય ત્યાં સુધી ખેતરમાં કોઈ પણ સામાન રહેવો જોઈએ નહીં. આખરે, કંપનીના અધિકારીઓએ ખેડૂતોની માંગણી સ્વીકારી ખેતરમાંથી વીજ પોલનો માલ-સામાન ઉપાડી લેવાની ખાતરી આપી હતી. આ ખાતરી બાદ ખેડૂતોએ હાઈવે પરથી હટી જઈ રસ્તો ખુલ્લો કર્યો હતો. હાલમાં આ વિસ્તારના ખેડૂતો વળતરના યોગ્ય પ્રશ્ન મુદ્દે લડત ચલાવી રહ્યા છે.



